શાહપુરમાં શેર બજાર, ડબા ટ્રેડિંગ કરતો શખ્સ ઝડપાયો
- બોરસલ્લી એપાર્ટમેન્ટની ઘટના
- ઘરમાં બેસી શેરોની ગેરકાયદે લે-વેચ કરતા હતા અને પોલીસ પહોંચી
અમદાવાદ, તા. 01 ઓગસ્ટ, 2020, શનિવાર
શાહપુરમાં બોરસલ્લી એપાર્ટમેન્ટ ખાતે ગેર કાયદેસર રીતે શેરોની લે-વેચ કરી ડબ્બા ટ્રેડિંગ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ કેસની વિગત એવી છે કે શાહપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે શાહપુર બહાર સેન્ટર ખાતે આવેલા બોરસલ્લી એપાર્ટમેન્ટમાં દરોડો પાડયો હતો અને ડી બ્લોકમાં આઠમા માળે રહેતા સુરેશભાઇ .કે વોરાને લેપટોપ ઉપર ગેર કાયદેસર રીતે શેરોની લે-વેચ કરતા રંગેહાથ ઝડપી પાડયા હતા.
પોલીસને જોઇને કાલુપુર ખાતે રહેતા ધર્મેશભાઇ રસીકલાલ શાહ ફરાર થઇ ગયો હતો. પોલીસ તપાસ કરતાં આરોપી પોતાના ઘરે લેપટાપમાં વેબ સાઇટ ઉપર શેર બજારના ભાવ જાણીને મોબાઇલ ફોનથી અલગ અલગ કંપનીના શેરની ગેરકાયદેસર રીતે લે-વેચ કરી સોદા લખાવતો હતો.
પોલીસે ઘટના સ્થળેથી નોટબુક તથા લેપટોપ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછમાં આરોપી કાલુપુર વાળા ધર્મેશ શાહને મોબાઇલ ઉપર સોદા લખાવતો હતો.પોલીસ દ્વારા આ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતની તપાસ કરવામાં આવી રહી છે.