મા.જે. પુસ્તકાલયની બહાર સાંપ્રત ઘટનાના લાઈવ સ્ક્રોલ કાર્યરત કરાશે
શહેરમાં ફરતા પુસ્તકાલય શરૂ કરાશે
વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે વ્યવસ્થા કરાશે
અમદાવાદ : મ્યુનિ. હસ્તકના મા.જે.પુસ્તકાલયના વર્ષ-2022-23 માટે રજુ કરવામાં આવેલા ડ્રાફટ બજેટમાં શાસકપક્ષ તરફથી 1 કરોડ 80 લાખના વધારા સાથે કુલ 17 કરોડ 25 લાખના બજેટને મંજુર કરાયુ હતું.બજેટમાં પુસ્તકાલયની બહાર સાંપ્રત ઘટનાઓને લગતા લાઈવ સ્ક્રોલ કાર્યરત કરવા ઉપરાંત વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ માટે વ્યવસ્થા કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.
મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નવા વર્ષ માટે મંજુર કરાયેલા બજેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી શકે અને સ્વ મૂલ્યાંકન કરી શકે એ માટે વિવિધ પ્રકારના મોડયૂલના આયોજન માટે 30 લાખની રકમની ફાળવણી કરાઈ છે.
પુસ્તકાલયની બહાર આવેલા ઓવરબ્રીજની બંને બાજુથી પસાર થતા લોકો દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી વાકેફ થઈ શકે એ માટે લાઈવ સ્ક્રોલ મુકવા પાંચ લાખની રકમ તેમજ શહેરમાં પરા વિસ્તારમાં રહેતા બાળકો, મહિલાઓ, દિવ્યાંગ અને સિનીયર સિટીઝનો માટે બે ફરતા પુસ્તકાલય શરૂ કરવા 60 લાખની રકમ ફાળવવામાં આવી છે.
આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ અને શ્રાવણ માસમાં શ્રીકૃષ્ણ રસોત્સવ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.પ્રચલિત પુસ્તકોના ડીજીટાઈઝેશન માટે રૂપિયા દસ લાખની ફાળવણી કરાઈ છે.