સંદેશાનું કોઈ સાધન નહોતું ત્યારે 'મેઘ'ને પ્રેમદાંપત્યનું સંદેશા વાહક બનાવ્યું
ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં 'મેઘદૂત' વિશે લેક્ચર યોજાયું
કવિ કાલિદાસ મેઘદૂતમાં ચિત્રકૂટથી કૈલાશ સુધીના કુદરતી સૌંદર્યનું અદભુત વર્ણન કરેલું છે
વડોદરા, તા.૩૦ ડિસેમ્બર ૨૦૧૯, સોમવાર
બે હજાર વર્ષ પહેલા પોતાના પ્રિયને એક શહેરથી બીજા શહેરમાં સંદેશો મોકલવાનું કોઈપણ પ્રકારનું સાધન નહોતુ. ત્યારે કવિ કાલિદાસે આ સમયે મેઘને એક ઉત્તમ સંદેશા વાહક બનાવીને પોતાની કલમમાં ઉતાર્યુ હતુ જેને આપણે દૂત કાવ્ય, વિરહ કાવ્ય 'મેઘદૂત' તરીકે ઓળખીએ છીએ.
એમ.એસ.યુનિ.ની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં કવિ કાલિદાસના મેઘદૂત કાવ્ય વિશે લેક્ચરનું આયોજન કરાયું હતું. જેમાં ઉજ્જૈનની મહર્ષિ પાણિની સંસ્કૃત એવં વેદિક વિશ્વ વિદ્યાલયના ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર પ્રો.મિથિલા પ્રસાદ ત્રિપાઠીએ કહ્યું કે, કવિ કાલિદાસે યક્ષ અને યક્ષીની વિરહ વેદનાને આ કાવ્ય દ્વારા વ્યક્ત કરી છે જેમાં તેઓએ ચિત્રકુટથી કૈલાશ પર્વત સુધીના કુદરતી સૌંદર્ય અને નગરોનું અદભુત અને અલ્કપનીય વર્ણન કરેલું છે. અલકા નગરીના અધિપતિ ધનરાજ કુબેર સેવક યક્ષને નગરમાંથી કાઢી મૂકે છે ત્યારે યક્ષને સજા રુપે પોતાની પત્નીથી દૂર ચિત્રકુટમાં રહેવું પડે છે. વર્ષાઋતુમાં આકાશમાં છવાયેલા ઘનઘોર વાદળોને જોઈને તેને તેની પ્રિય પત્ની યક્ષીની યાદ આવે છે. ત્યારે તે પોતાના વિરહનો સંદેશો મોકલવા માટે 'મેઘ' નો સહારો લે છે. બીજી તરફ યક્ષી પણ પોતાના પતિની સ્મૃતિમાં વ્યાકુળ થઈ જાય છે.
અત્યારે તો પ્રેમ ફક્ત શબ્દમાં સમાઈ ગયો છે પરંતુ એ સમયમાં પતિ-પત્ની વચ્ચેની સમજ, તેમનો પ્રગાઢ પ્રેમ અને તેના વિરહને કાલિદાસે પોતાની કલમમાં ઉતાર્યો છે.
મેઘ તુ નીચે ઉતરીશ ત્યારે મોતીની માળા વચ્ચે નીલમ મૂકેલો હોય તેવો દેખાઈશ
કવિ કાલિદાસે ફક્ત મેઘદૂતમાં જ નહીં તેમની દરેક રચનામાં પ્રકૃતિના તત્વોનું ખૂબ સુંદર રીતે વર્ણન કરેલું છે. જ્યારે મેઘ સંદેશો લઈને યક્ષી પાસે જાય છે ત્યારે યક્ષ તેને કહે છે કે, ધરતી પર વરસાદ વરસાવીને જ્યારે તારુ પાણી પૂરુ થઈ જાય ત્યારે ચંબલ નદીમાંથી પાણી પીવા માટે નીચે ઉતરજે. કારણકે ચંબલ નદી સફેદ ચળકતા મોતીની સેર જેવી છે અને તારુ શ્યામ રુપ લઈને એ મોતીની વચ્ચે આવીશ ત્યારે મોતીની માળામાં વચ્ચે કોઈએ નીલમ મૂકેલો હોય તેવું આકાશમાંથી દેખાશે.