૮ વર્ષની કિશોરી સાથે શારીરિક અડપલા કરનાર વિધર્મી બહુચરાજીથી પકડાયો
અગાઉ માતા અને પુત્રીને વિધર્મી પોતાની સાથે બેંગ્લોર લઇ ગયો હતો
વડોદરા.આજવારોડ પર રહેતા માતા - પુત્રી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગયા હતા. દોઢ મહિના પછી પોલીસે ત્રણેયને બેંગ્લોરથી શોધી કાઢ્યા હતા. વિધર્મીએ સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હોવાનું પિતાને કહેતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. દોઢ મહિના સુધી નાસતો ફરતો વિધર્મી આખરે બહુચરાજીથી ઝડપાઇ ગયો છે.
આજવારોડ વિસ્તારમાં રહેતા અને કરિયાણાના સામાનની ડિલીવરીનું કામ કરતો શખ્સ તેની ૪૦ વર્ષની પત્ની અને ૮ વર્ષની માસૂમ પુત્રી સાથે રહેતો હતો.તેણે પોલીસને જણાવ્યું હતું કે , મારી પત્ની સાથે આજવારોડ પર રહેતા વિધર્મી અમાન મુખત્યારઅહેમદ રાણા (રહે. અમન સોસાયટી, આજવારોડ) છેલ્લા ૧૦ મહિનાથી સંપર્કમાં હતો.ગત તા.૧૯ મી મે ના રોજ વિધર્મી મારી પત્નીને અને સગીર વયની પુત્રીને લઇ ગયો હતો. પોલીસે વિવિધ ટીમ બનાવી ત્રણેયને બેંગ્લોર ખાતેથી શોધી કાઢ્યા હતા.ત્યારબાદ પુત્રી મારી સાથે જ રહેતી હતી. અને પત્ની જતી રહી હતી. થોડા દિવસ પછી મારી દીકરીએ મને કહ્યું હતું કે, અમન રાણાએ મારા શરીર પર હાથ ફેરવ્યો હતો. મારા ગાલ પર બચકું ભરી લીધું હતું. તથા બળજબરી કરવાની કોશિશ કરતો હતો.મારા પેટ પર પણ બચકું ભરતો હતો. હું ના પાડું તો તે મને ધમકાવી જબરજસ્તી કરતો હતો.બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો હતો. ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, બાપોદ પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૃ કરી હતી.દોઢ મહિના સુધી નાસતો ફરતો આરોપી અમાન રાણા બહુચરાજીમાં એક ધર્મશાળામાં રોકાયો હોવાની માહિતી મળતા બાપોદ પી.આઇ. સીપી વાઘેલાએ ટીમ મોકલી વિધર્મીને ઝડપી પાડયો હતો. ગુનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
અમાનની પરિણીત પ્રેમિકા પણ તેની સાથે જ હતી
વડોદરા,ગુનો દાખલ થયા પછી નાસતા ફરતા અમાન રાણાની સાથે તેની હિન્દુ પ્રેમિકા પણ હતી. વડોદરાથી ભાગ્યા પછી તેઓ બેંગ્લોર, મુંબઇ અને ત્યારબાદ છેલ્લા એક સપ્તાહથી બહુચરાજી ધર્મશાળામાં રોકાયા હતા. પોલીસે અમાન રાણાના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે તેની પરિણીત પ્રેમિકા બહેનપણીના ઘરે રોકાઇ છે.