Get The App

BRTSમાં 650 ઇલેક્ટ્રિક AC બસોનો કાફલો કાર્યરત થશે

- જનમાર્ગની મળેલી બેઠકમાં જાહેર પરિવહન પર થયેલી ચર્ચા

- અમદાવાદની કુલ 2000 બસોની જરૂરિયાત સામે 2020ના વર્ષમાં 1605 બસો દોડતી થશે

Updated: Dec 13th, 2019

GS TEAM


Google News
Google News
BRTSમાં 650 ઇલેક્ટ્રિક AC બસોનો કાફલો કાર્યરત થશે 1 - image


હાલ 7થી 8 લાખ લોકો બસોમાં આવ-જા કરે છે

અમદાવાદ, તા. 12 ડિસેમ્બર, 2019, ગુરૂવાર

અમદાવાદના વધતા જતા વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં બીઆરટીએસ અને એએમટીએસની મળીને 2000 જેટલી બસોની જરૂરિયાત છે. જેની સામે હાલ બીઆરટીએસની 255 અને એએમટીએસની 700 મળીને કુલ 955 બસો દોડી રહી છે, જેમાં 7થી 8 લાખ મુસાફરો રોજ પ્રવાસ કરે છે. બસોની સંખ્યા 1605 કરવાનું મ્યુનિ. દ્વારા આયોજન હાથ ધરાયું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આજે બીઆરટીએસનું સંચાલન કરતી જનમાર્ગ કંપનીની મળેલી મીટીંગમાં વધુ 300 એસી ઇલેક્ટ્રિક બસો લેવાનું નક્કી થયું છે. અગાઉ ઇ-ટેન્ડર પ્રક્રિયા મારફતે 50 ઇલેક્ટ્રિક બસોનો ઓર્ડર અપાયો હતો તેમાંથી 18 આવી ગઈ છે.

ડિસેમ્બરના અંત સુધીમાં તમામ આવી જવાની સંભાવના છે. ઉપરાંત માર્ચ- 2019માં 300 મીડી ઇલેક્ટ્રીક બસોનો ઓર્ડર અપાયેલો છે, જેની ડિલીવરી માર્ચ 2020 આસપાસ મળી જશે.

આ ઉપરાંત આજે મળેલી મીટીંગમાં વધુ 300 ઇલેક્ટ્રિક બસોનો કોન્ટ્રાક્ટ બે કંપનીને અપાયો છે. કેન્દ્રની સબસીડીવાળી બસો હોવાથી 10 વર્ષમાં બસદીઠ રૂા. 45 લાખની ગ્રાન્ટ મળશે. આમ, 650 બીઆરટીએસની નવી આવશે, હાલ 255 ચાલુ છે તે મળીને 905 થશે અને એએમટીએસની 700 ઉમેરાતા 1605 બસો થશે.

આ અંગે કમિશ્નર વિજય નેહરાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, જે શહેરમાં જાહેર પરિવહનની સેવા મજબૂત હોય ત્યાં રોડ પર ખાનગી વાહનોનું ભારણ ઘટે, જેનાથી ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન તેટલા પ્રમાણમાં હળવો બને છે. ઇલેક્ટ્રિક બસો હોવાથી પર્યાવરણને પણ ફાયદો થાય છે. આમ, આવતા વર્ષોની ટ્રાફિક અને પર્યાવરણની સમસ્યાના પડકારને આ રીતે ઝીલી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરનો વ્યાપ હાલ 466 ચો. કિલોમીટરનો થઈ ગયો છે, જે બોપલ- અસલાલી જેવા નવા વિસ્તારો ભળતા 566 ચો. કિલોમીટર જેટલો થઈ જવાનો છે. અગાઉ એએમટીએસની લાલ બસની પ્રતિષ્ઠા બહુ ઉંચી હતી. સમયસર મળતી હતી, જેના કારણે લોકો તેનો મહત્તમ ઉપયોગ કરતા હતા.

બાદમાં બસો અનિયમિત થાત લોકો લોન લઈને પણ દ્વિચક્રી વાહનો તરફ વળી ગયા. હવે ફરી બસો વધતા તેઓ દ્વિચક્રી વાહન મુકશે કે ટેવવશ ચાલુ રાખશે તે પ્રશ્ન છે. આ ઉપરાંત આગામી દિવસોમાં એએમટીએસની નવી બસો ખરીદવાની વાત પણ નવા બજેટમાં આવવાની જ છે.

Tags :