વડોદરા નજીક વીજ ડિસ્ટ્રીબ્યુશન કરતા આસોજ ફીડરમાં આગ
- ઉત્તર ગુજરાત તરફનો વીજ પુરવઠો ખોરવાયો
વડોદરા, તા. 24 મે 2019 શુક્રવાર
વડોદરા નજીક હાલોલ રોડ પર આવેલા વીજ ડિસ્ટ્રીબ્યુશન કરતા આસોજ ફીડરમાં આજે સવારે લાગેલી આગને કારણે ઉત્તર ગુજરાત તરફ ડિસ્ટ્રીબ્યુટ થતો વીજ પુરવઠો થોડીવાર માટે ખોરવાયો હતો.
આસોજ ખાતે આવેલા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO)ના એક ટ્રાન્સફોર્મરમાં કોઈ કારણસર લાગેલી આગને કારણે નાસભાગ મચી હતી.
કર્મચારીઓ બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ થઈ ન હતી. ટ્રાન્સફોર્મર માં ૩ હજાર લિટર જેટલું ડીઝલ હોવાને કારણે આગે વિકરાળ રૂપ લીધું હતું. ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગને કારણે ઉત્તર ગુજરાત તરફ મોકલાતો વીજપુરવઠો ખોરવાયો હતો.પરંતુ દસેક મિનિટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી પુરવઠો શરૂ કરાવ્યો હતો. જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.