જાહેરમાં માસ્ક ન પહેરનાર, ગમે ત્યાં થૂંકનારને હવે રૂ. 500નો દંડ
- અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા વધુ આકરા પગલાં
- બેદરકાર પાનના ગલ્લાવાળાને 10,000ની પેનલ્ટી ફટકારાશે માસ્ક પહેર્યા વગર નીકળેલા 1.72 લાખ લોકોને દંડ કરાયો
અમદાવાદ, તા. 13 જુલાઇ, 2020, સોમવાર
અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત્ હોવા છતાં કેટલાક લોકો તે પરત્વે બેકાર થવા માંડયા છે. અમુક તો પાનના ગલ્લે જ પાન ખાઈને ગમે ત્યાં રોડ પર જૂની ટેવ મુજબ પિચકારી મારી દે છે.
આ સ્થિતિનો અંત લાવવા મ્યુનિ. તંત્રએ જાહેરમાં માસ્ક ન પહેરનાર તથા થૂંકનારનો રૂા. 200 દંડ લેવાતો હતો તે વધારીને રૂા. 500 કરી કાઢવામાં આવ્યો છે તેમજ પાનના ગલ્લા નજીક જ કોઈ ગ્રાહક થુંકશે તો ગલ્લાવાળાને રૂા. 10,000નો દંડ કરવામાં આવશે તેવું પણ નક્કી થયું છે.
આ અંગે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સ ના જળવાતું હોય, માસ્ક પાનના ગલ્લાવાળાએ ન પહેર્યો હોય, ગલ્લા ખોલવા માટે અનલોક વખતે જે શરતો કરાઈ હતી તેનું પાલન થતું ના હોય તેવા 100થી વધુ ગલ્લાઓને 'સીલ' કરવામાં આવેલ છે અને મોટી રકમની પેનલ્ટીપણ કરાઈ છે.
લોકોએ પાન બંધાવીને ઘરે લઈ જવાની વાત હતી તેને બદલે ત્યાં જ ઉભા રહીને ખાતા હોવાનું જણાયું છે. પનના ગલ્લા, ચાની કિટલી, પાણીપૂરી સહિતના ફૂડપાર્લરો સંક્રમણ ફેલાવાના મુખ્ય કેન્દ્રો બની શકે તેમ છે.
આજે રાજ્યના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા, કમિશ્નર મુકેશકુમાર અને ડેપ્યુટી કમિશ્નરોની રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી મિટિંગમાં આ બાબતે સમીક્ષા થઈ હતી અને દંડ વધારવાનું નક્કી થયું હતું.
ઉપરાંત માસ્ક પહેર્યા વગર જાહેરમાં ફરતા લોકોને રૂા. 200નો દંડ ફટકારવામાં આવે છે આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવાનું પણ નક્કી થયું છે. અત્યાર સુધીમાં મ્યુનિ. તંત્ર અને શહેર પોલીસ તંત્ર દ્વારા 1.72 લાખ લોકોને દંડવામાં આવ્યા છે.
લોકો પોતે સજાગ નહી બને ત્યાં સુધી કોરોનાનો ચેપ ફેલાવાનું અટકવાનું નથી. માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને વારંવા હાથ ધોવાનું કે સેનેટાઇઝ કરવાનું અત્યંત જરૂરી હોવા છતાં આ દિશામાં બેદરકારી આચરનારા કોરોનાને નિમંત્રી બેસે છે.