મિત્રો હોવાથી બધી વાતમાં સહમત હોવું જરુરી નથી, બસ મતભેદમાં કડવાશ ન હોવી જોઈએ
ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોરની મિત્રતા વિશે નાટક યોજાયું
સોશિયલ મિડિયાના સમયમાં લાઈક અને ડિસલાઈક પર મિત્રતા નિર્ભર કરે છે
વડોદરા, તા.4 ફેબ્રુઆરી 2020, મંગળવાર
મિત્રતામાં સાચુ કહેવાની અને સાચુ સાંભળવાની હિંમત હોવી અનિવાર્ય છે. ખોટુ લાગવુ, ઘમંડ, બદલો લેવાની ભાવના મિત્રના સંબંધોમાં શોભતી નથી. અને હા..મિત્રો હોવાથી તેની બધી વાતમાં સહમત હોવું જરુરી નથી, બસ મતભેદ થાય ત્યારે સંબંધોમાંં કડવાશ ન ઊભી થવી જોઈએ, એમ મહાત્મા ગાંધીજી કવિવર રવિન્દ્રનાથ ટાગોર સાથેના પત્રલેખનમાં જણાવે છે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને અખિલ હિંદ મહિલા પરિષદના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ગૃહ ખાતે મહાત્મા ગાંધી અને ગુરુદેવ ટાગોરની વચ્ચે થયેલા પત્ર વ્યવહાર, તાર અને લેખોના આધારે તેમની મિત્રતાને દર્શાવતું 'ફ્રેન્ડશીપ' નાટક નિઃશુલ્ક યોજાયું હતું. જેમાં સૂત્રધાર લતા શાહે કહ્યું કે, ગાંધીજી અને ટાગોર વચ્ચેના વિચારોમાં મતભેદ હતા પરંતુ તેમનો હેતુ દેશમાં શિક્ષણનો વિકાસ, જાતિવાદ, કોમવાદ, અસ્પૃશ્યતા દૂર કરવાનો હતો. તેઓ મનમાં કડવાશ રાખ્યા વગર એકબીજા સાથે આ મુદ્દાઓ પર ખુલ્લા મને તીવ્ર ચર્ચાઓ પણ કરતા હતા.
જો કે આજના સોશિયલ મિડિયાના સમયમાં મિત્રતા ધીમે-ધીમે ઉપરછલી થતી જાય છે.એકબીજા પાસે મોબાઈલ હોવા છતાં વાતચીતનો અભાવ છે. તેણે મને ફોન ન કર્યો તો હું કેમ કરું એવી દલીલો થાય છે. હવે તો લાઈક અને ડિસલાઈક પર મિત્રતા નિર્ભર કરવા લાગી છે.
છોકરીઓ અંગ્રેજી ભાષાને લગ્ન માટેનો પાસપોર્ટ સમજે છે
કવિવર ટાગોર પાશ્ચાત્ય શિક્ષણ પધ્ધતિની તરફેણમાં હતા ત્યારે ગાંધીજીએ તેનો વિરોધ કરતા કહ્યું કે, અંગ્રેજી ભાષા એ વ્યક્તિ માટે બિનજરુરી ભારણ છે. વાલીઓ સંતાનો સાથે અને સંતાનો મિત્રો સાથે પ્રાદેશિકને બદલે અંગ્રેજી ભાષામાં વાતચીત કરવા લાગ્યા છે. કડકડાટ અંગ્રેજી બોલતા લોકો જ હોંશિયાર છે એવું સમજે છે. અરે..છોકરીઓ તો અંગ્રેજી ભાષાને લગ્ન માટેનો પાસપોર્ટ સમજે છે એટલે છોકરો જો અંગ્રેજી બોલતો હોય તો લગ્ન પર મંજૂરીની મહોર લગાવી દે છે.