પાસાથી બચવા માટે જાતે જ ઇજા પહોંચાડનાર આરોપી સામે ગુનો દાખલ
એક આરોપીએ બ્લેડ અને બીજાએ તાવીજ વડે હાથ અને ગળા પર ઇજા પહોંચાડી
વડોદરા,સિટિ પોલીસ સ્ટેશનમાં રાયાટિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની સામે પાસાની કાર્યવાહી કરવા માટે સિટિ પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.તે દરમિયાન તેઓેએ હાથ પર બ્લેડ મારી દેતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સિટિ પોલીસ સ્ટેશનમાં રામનવમી દરમિયાન થયેલા રાયોટિંગના ગુનામાં સામેલ બે આરોપીઓ (૧) સજ્જાદ ઉર્ફે સહજાદ ઇબ્રાહીમભાઇ શેખ (રહે.ફાઇલવાલા એપાર્ટમેન્ટ, રાવત શેરીના નાકે, ફતેપુરા) (૨) સુફિયાન સિકંદરખાન પઠાણ (રહે.સરકારી સ્કૂલની પાછળ, હાથીખાના) તથા (૩)હાસીમ અલીઅહેમદ પઠાણ ની સામે પાસાની કાર્યવાહી કરવાની હોવાથી તેઓને સિટિ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.પી.આઇ.પર્સનલની રૃમમાં પાસાની કાર્યવાહી ચાલતી હતી.તે દરમિયાન સહજાદે પેન્ટના નેફામાંથી બ્લેડ જેવી તિક્ષ્ણ વસ્તુ કાઢી પોતાના બંને હાથે મારી દઇ બૂમો પાડવા લાગ્યો હતો કે,હું મરી જઇશ,પણ પાસામાં નહીં જઉં. અને સુફિયાને પોતાના ગળામાં પહેરેલા તાવીજને તોડી પાતાના હાથ અને ગળામાં મારી ઇજા પહોંચાડી હતી. સિટિ પોલીસે બંને આરોપી સામે ગુનો દાખલ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીઓનું આ કૃત્ય પૂર્વ આયોજિત હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.