Get The App

સ્ક્રેપના વેપારી પર હુમલો કરીને લૂંટ કરનાર યુગલ પકડાયું

૧૦ હજાર રોકડા અને મોબાઇલ ફોન કબજે લેતી પોલીસ

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News
સ્ક્રેપના વેપારી પર હુમલો કરીને લૂંટ કરનાર યુગલ પકડાયું 1 - image

વડોદરા,સ્ક્રેપના વેપારી પર હુમલો કરીને રોકડા ૧૦ હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરનાર યુગલને માંજલપુર પોલીસે ઝડપી પાડયું છે.અને લૂંટનો મુદ્દામાલ  કબજે લીધો છે.

તાંદલજાના સરફરાજ એપાર્ટમેન્ટમાં રહેતો અબુસાદ મહંમદરઇશ  પઠાણ અટલાદરા પાદરા રોડ પર સમન્વય સ્ટેટસની સામે  રોયલ સ્ક્રેપ નામનું ં કેબિન રાખીને ભંગારનો ધંધો કરે છે.ગત તા.૩ જી એ સવારે આઠ વાગ્યે તે કેબિન પર  ગયો હતો.સાડા આઠ વાગ્યે તેના કેબિન પર ઇરફાન ઉર્ફે મમરી ઇર્શાદઅલી સૈયદ (રહે.વુડાના મકાનમાં, સનફાર્મા રોડ ) આવ્યો હતો.તેની સાથે એક મહિલા પણ હતી.તે બંને લોખંડની પ્લેટ વેચવા માટે આવ્યા હતા.પરંતુ, વેપારીએ ના પાડતા ઇરફાન  ઉશ્કેરાયો હતો.તેની સાથે આવેલી મહિલાએ વેપારીને  પકડીને બ્લેડ વડે ઇજા પહોંચાડી હતી.ઇરફાને ચાકૂ બતાવીને વેપારીની ખિસ્સામાંથી રોકડા ૧૦ હજાર કાઢી લીધા હતા.તેમજ મોબાઇલ ફોન પણ લઇ લીધો હતો.જતા સમયે તેણે વેપારીને ધમકી આપી હતી કે,જો પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ. આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાતા  પોલીસે બંનેની શોધખોળ  હાથ ધરી હતી.દરમિયાન પોલીસ જવાન જીવણભાઇને માહિતી મળી હતી  કે,ઇરફાન મમરી અને તેની સાથે એક મહિલા કલાલી બ્રિજ તરફ  ચાલતા  જઇ  રહ્યા છે.જેથી,પી.આઇ.એચ.એલ.આહિરની સૂચના મુજબ સ્ટાફના માણસોએ સ્થળ પર જઇને ઇરફાન અને તેની સાથેની મહિલા સબનુરબેન ઇકબાલભાઇ ઘાંચી (રહે.કાળી તલાવડી, એકતા નગર, તાંદલજા)ને  ઝડપી પાડયા હતા.પોલીસે તેઓની  પાસેથી રોકડા ૧૦ હજાર અને મોબાઇલ ફોન કબજે લીધા હતા.બંનેની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.આરોપી ઇરફાન સામે અગાઉ ગોરવા, મકરપુરા, જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં મળીને કુલ  પાંચ ગુનાઓ દાખલ થયા છે.

Tags :