પ્રોપર્ટીકાર્ડની નકલ હવે પોર્ટલ મારફતે ઓનલાઇન મળી શકશે
ઓનલાઇન મેળવેલા પ્રોપર્ટીકાર્ડમાં ડિજિટલ સીલ્ડ હોવાથી તે સરકાર માન્ય નકલ ગણાશે ઃ ક્યુઆર કોડ હોવાથી ખરાઇ પણ થઇ શકશે
વડોદરા,તા.26 રાજ્યમાં પ્રોપર્ટીકાર્ડ મેળવવા માટે મિલકતના માલિકોને ખૂબ હેરાન પરેશાન થવું પડે છે. એક વખત અરજી કર્યા બાદ પ્રોપર્ટીકાર્ડની નકલ ક્યારે મળશે તે નક્કી નથી હોતું પરંતુ હવે કોઇપણ અરજદાર ઘેર બેઠાં જ પ્રોપર્ટીકાર્ડની નકલ મેળવી શકશે. અત્યાર સુધી ઓનલાઇન પ્રોપર્ટીકાર્ડ જોઇ શકાતું હતું પરંતુ હવે ક્યુઆર કોડવાળી નકલ મળવાથી તેનો અન્ય મહેસૂલી કામ માટે પણ ઉપયોગ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગામ, નગર અને શહેરી વિસ્તારની મિલકતો માટે વર્ષ-૧૯૨૩થી પ્રોપર્ટીકાર્ડ અસ્તિત્વમાં આવ્યા છે. મહેસૂલી તંત્રના એક ભાગરૃપે મિલકતોના હક્કો નોંધવા અને અધિકૃત કરવા માટે પ્રોપર્ટીકાર્ડ અગત્યનો દસ્તાવેજ છે. મિલકતોના આ રેકર્ડ તૈયાર કરવા અને તેની નિભાવણી માટે જમીન દફ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરાતી હોય છે. શહેરી વિસ્તારો ઉપરાંત હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રોપર્ટીકાર્ડ આપવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સિટિ સર્વેના વ્યાપમાં તમામ ગામોને આવરી લેવા માટે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ આપવામાં આવી રહ્યા છે.
શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટીકાર્ડ મેળવવા માટે અરજદારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પ્રોપર્ટીકાર્ડની નકલ કાઢી આપવા માટે વચેટિયા મોટી રકમ મિલકતના માલિકો પાસે પડાવતા હતાં. પરંતુ હવે નાગરિકો સરળતાથી પ્રોપર્ટીકાર્ડની નકલો મેળવી શકશે. ઇ-મિલકત, એનીઆરઓઆર અથવા આઇઓઆરએ પોર્ટલ મારફત ઓનલાઇન ડિજિટલી સીલ્ડ પ્રોપર્ટીકાર્ડ મેળવી શકાશે. એક પેજ પ્રમાણે માત્ર રૃા.૫ની ચૂકવણી ઓનલાઇન કરવાથી ક્યુઆર કોડવાળી પ્રોપર્ટીકાર્ડની નકલ મેળવી શકાશે.