Get The App

ગુજરાતના 31 જિલ્લામાં 965ને કોરોના સંક્રમણ, 20 દર્દીનાં મૃત્યુ

- 4 જુલાઇ બાદ સૌથી વધુ દૈનિક મૃત્યુ નોંધાયા : કુલ મરણાંક હવે 2146

- અમદાવાદમાં 212 સાથે 16 દિવસે સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
ગુજરાતના 31 જિલ્લામાં  965ને કોરોના સંક્રમણ, 20 દર્દીનાં મૃત્યુ 1 - image


સુરતમાં 285 કેસ-9નાં મૃત્યુ સાથે ચિંતાજનક સ્થિતિ : 11,412 એક્ટિવ કેસ : 877 દર્દીઓ સાજા થયા : 3.96 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ 

ગુજરાતના 31 જિલ્લામાં  965ને કોરોના સંક્રમણ, 20 દર્દીનાં મૃત્યુ 2 - image

અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો ગ્રાફ દિવસેને દિવસે વધુ ઊંચે જઇ રહ્યો છે અને ચિંતાજનક સ્થિતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ 965 કેસ નોંધાયા હતા અને જેની સાથે જ કુલ કેસનો આંક હવે 48441 થઇ ગયો છે.

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 20 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. જે ગુજરાતમાં 4 જુલાઇ બાદ નોંધાયેલો સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક છે. અત્યારસુધી ગુજરાતમાંથી 2146 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં ડાંગ-દેવભૂમિ દ્વારકા સિવાય તમામ જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ નોંધાયા હતા. 

અમદાવાદમાં કોરોના વાયરસના કેસની ઝડપને છેલ્લા બે સપ્તાહથી બ્રેક લાગી હતી અને 200થી ઓછા દૈનિક કેસ નોંધાઇ રહ્યા હતા. જોકે, છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છે અને વધુ 212 નવા કેસ નોંધાયા હતા.

અમદાવાદમાં દૈનિક કેસનો આંક 200થી વધુ નોંધાયો હોય તેવું 3 જુલાઇ બાદ પ્રથમવાર બન્યું છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 24375 થયો છે. બીજી તરફ સુરતમાં કોરોનાના કેસની ગતિ થંભવાનું જાણે નામ જ લઇ રહી નથી.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 206-સુરત ગ્રામ્યમાં 79 એમ કુલ 285 કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 9694 થઇ ગયો છે. સુરતમાં 30 જૂન સુધી કોરોનાના કુલ કેસનો આંક 4829 હતો. જ્યારે જુલાઇના 19 દિવસમાં જ નવા 4865 કેસ નોંધાઇ ચૂક્યા છે. 

છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 67-ગ્રામ્યમાં 12 એમ કુલ 79 કેસ નોંધાયા હતા. વડોદરામાં કોરોનાના કુલ કેસનો આંક હવે 3587 થઇ ગયો છે. રાજ્યના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 49 સાથે રાજકોટ, 35 સાથે ભાવનગર, 30 સાથે ગાંધીનગર, 22 સાથે મહેસાણાનો સમાવેશ થાય છે.

હાલ રાજ્યમાં 11412 એક્ટિવ કેસ છે અને જેમાંથી 69 દર્દીઓ વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 9, અમદાવાદમાંથી 6, દાહોદમાંથી 2, ભાવનગર-ગીર સોમનાથ-જામનગરમાંથી 1-1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મૃત્યુઆંક હવે અમદાવાદમાં 1550 જ્યારે સુરતમાં 254 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં 877 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ ગુજરાતમાં ડિસ્ચાર્જ થનારા કુલ દર્દીઓનો આંક હવે 34882 થઇ ગયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 12323 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક 5,36,620 થયો છે. ગુજરાતમાં હાલ 3.96 લાખ વ્યક્તિ ક્વોરન્ટાઇન હેઠળ છે. 

છેલ્લા 24 કલાકમાં કયા રાજ્યમાં વધુ કેસ?

રાજ્ય

કેસ

મૃત્યુ

મહારાષ્ટ્ર

9518

258

આંધ્ર પ્રદેશ

5041

56

તામિલનાડુ

4979

78

ઉત્તર પ્રદેશ

2211

38

ગુજરાત

965

20

મધ્ય પ્રદેશ

837

15


ગુજરાતમાં કોરોનાથી દૈનિક સૌથી વધુ મૃત્યુ

તારીખ

મૃત્યુ

1 જુલાઇ

21

4 જુલાઇ

21

19 જુલાઇ

20

2 જુલાઇ

19

18 જુલાઇ

19


અમદાવાદમાં જુલાઇમાં નોંધેયાલા સર્વોચ્ચ દૈનિક કેસ

તારીખ

કેસ

1 જુલાઇ

215

19 જુલાઇ

212

2 જુલાઇ

211

3 જુલાઇ

204

18 જુલાઇ

199

7 જુલાઇ

187


કોરોનાના વધુ કેસ : ગુજરાત હવે સાતમાં સ્થાને

કોરોનાના કુલ સૌથી વધુ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે સાતમાં સ્થાને આવી ગયું છે. મહારાષ્ટ્ર સૌથી વધુ 3.10 લાખ, તામિલનાડુ 1.70 લાખ, દિલ્હી 1.22 લાખ, કર્ણાટક 63772, આંધ્ર પ્રદેશ 49650, ઉત્તર પ્રદેશ 49247 જ્યારે ગુજરાત હવે 48441 કેસ ધરાવે છે.

Tags :