JEE એડવાન્સ 96 ટકાએ આપી અઘરા પેપરોથી વિદ્યાર્થીઓ નિરાશ
- કોરોનાને લીધે પરીક્ષા ચાર મહિના મોડી લેવાઈ પરંતુ
- ફિઝિક્સના પ્રશ્નો ખૂબ જ અઘરા : ગત વર્ષની સરખામણીએ અઘરા પેપરો રહેતા, વિદ્યાર્થી ઘટયા : આ વર્ષે કટ ઓફ નીચું જઈ શકે
અમદાવાદ, તા. 27 સપ્ટેમ્બર, 2020, રવિવાર
આઈઆઈટીમાં પ્રવેશ માટેની જેઈઈ એડવાન્સની પરીક્ષા આજે લેવાઈ હતી. કોરોનાને લીધે ચાર મહિના પરીક્ષા મોડી લેવાઈ હતી પરતુ પેપરો ખૂબ જ અઘરા રહેતા વિદ્યાર્થીઓ નિરાશ થયા હતા.જો કે કોરોનાને વચ્ચે પણ 96 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ વર્ષે વિદ્યાર્થીઓ ઘટતા અને પેપરો ખૂબ જ અઘરા રહેતા કટ ઓફ સ્કોર નીચો જવાની શક્યતા છે. દેશભરમા આવેલી 23 આઈઆઈટી અને અન્ય ટોપ સેન્ટ્રલ ઈન્સ્ટિટયુટમાં પ્રવેશ માટે દર વર્ષે જેઈઈ મેઈન પરીક્ષા બાદ મે મહિનામાં એડવાન્સ પરીક્ષા લેવામા આવે છે.
આઈઆઈટીની લગભગ 11 હજારથી વધુ બેઠકો છે અને જે માટે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વચ્ચે ભારે સ્પર્ધા રહે છે.આ વર્ષે 10 લાખથી વધુ મેઈન પરીક્ષા આપી હતી અને જેમાંથી ક્વોલીફાઈ થયેલા 2.40 લાખ જેટલા વિદ્યાર્થીઓમાંથી એડવાન્સ માટે માંડ 1.57 લાખથી વધુ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.
જેમાંથી આજે બંને પેપરોની પરીક્ષા 96 ટકા વિદ્યાર્થીએ આપી છે.દર વર્ષે જુદી જુદી આઈઆઈટી એક્ઝામ કન્ડક્ટ કરે છે ત્યારે આ વર્ષે પરીક્ષા લેનારી આઈઆઈટી દિલ્હી દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ પેપર-1ની પરીક્ષા 1,51,311 અને પેપર-2ની પરીક્ષા 1,50,900 વિદ્યાર્થીએ આપી છે.
કોરોનાને લીધે દરેક સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે સેન્ટરો 600થી વધારીને 1001 કરવામા આવ્યા હતા.ગુજરાતમાં અમદાવાદ,ગાંધીનગર, સુરત,વડોદરા,રાજકોટ સહિત દેશના 222 શહેરોમાં કોમ્પ્યુટર આધારીત પરીક્ષા લેવાઈ હતી. સવારે 9થી12 પેપર-1ની પરીક્ષા હતી અને બપોરે 2:30થી:5:30 પેપર-2ની પરીક્ષા હતી.
વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે બંને પેપરો ખૂબ જ અઘરા રહ્યા હતા. ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને મેથ્સ એમ ત્રણેય સેકશનના પ્રશ્નોમાંથી ફિઝિક્સના પ્રશ્નો ખૂબ જ અઘરા અને મગજ કસી લે તેવા હતા.મેથ્સના પ્રશ્નો પણ લેન્ધી હતા.જ્યારે કેમિસ્ટ્રીના પ્રશ્નો એકંદરે સરળ હતા. બંને પેપરમાં ફિઝિક્સના પ્રશ્નો ખૂબ જ અઘરા રહ્યા હતા.
મોટા ભાગના પ્રશ્નો ધો.11-12ની એનઈસીઈઆરટી ટેક્સ બુક આધારીત હતા.પરંતુ ઘણા પ્રશ્નો ખૂબ જ ટ્રીકી હતા અને ઓવરઓલ ગત વર્ષની સરખાણીએ એડવાન્સની આ વર્ષની પરીક્ષા એવરેજ વિદ્યાર્થીઓ માટે અઘરી કહી શકાય તેવી છે. જેઈઈ મેઈનના ટોપ રેન્કર્સ વિદ્યાર્થીઓ માટે આજના બંને પેપરો અઘરા રહેતા તેઓ ટાર્ગેટ સ્કોર કરી શકે તેમ ન હતા.પેપરો અઘરા રહેતા અને વિદ્યાર્થી પણ ઘટતા આ વર્ષે કટ ઓફ સ્કોર નીચે જશે.
પેપર-2માં તો વિદ્યાર્થીઓ લખવાના બદલે બેઠા જ રહ્યા
પેપર-1 અને પેપર-2ની પરીક્ષામાંથી બપોરના સેશનમાં પેપર-2ની પરીક્ષામાં તો મોટા ભાગના વિદ્યાર્થીઓ બેઠા જ રહ્યા હતા.વિદ્યાર્થીઓ અઘરા પ્રશ્નોથી એટલા કંટાળી ગયા હતા કે ઘણા વિદ્યાર્થીઓ તો પ્રશ્નોના જવાબમાં મગજ દોડાવવાના બદલે આરામથી બેસી રહ્યા હતા.વિદ્યાર્થીઓ અને એક્સપર્ટના જણાવ્યા મુજબ પેપરોની પેટર્ન બદલાઈ હતી અને અઘરી રહી હતી.
ગત વર્ષે 180-180 માર્કસના બે પેપર હતા જ્યારે આ વર્ષે 198-198 માર્કસના બે પેપરો સાથે કુલ 396 માર્કસની પરીક્ષા હતી.ગત વર્ષની સરખામણીએ 36 માર્કસ વધારી દેવાયા હતા.દરેક પેપરમાં દરેક સેકશનના 66-66 પ્રશ્નો હતા.પેપરની પેટર્ન અઘરી રહેતા પેપર-2માં તો 40 ટકા જ માંડ આખુ પેપર પુરૂ કરી શક્યા હતા. મોટા ભાગના માટે પેપર ખૂબ જ લેન્ધી રહ્યુ હતું.