Get The App

ડિફોલ્ટર કંપની ABG Shipyardને NCLTમાં ૯૨ ટકા દેવું માફ કરાયું

એબીજી શિપયાર્ડને ક્રેડિટ પર માલ આપનારાઓને પણ રૂ. ૫૫૦૦ કરોડ ડૂબ્યા છે

Updated: Feb 15th, 2022

GS TEAM


Google News
Google News
ડિફોલ્ટર કંપની ABG Shipyardને NCLTમાં ૯૨ ટકા દેવું માફ કરાયું 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર

દેશની ૨૮ બૅન્કોને ૨૨,૨૦૦ કરોડનો ચૂનો લગાડનાર એબીજી શિપયાર્ડ કંપનીને એનસીએલટી-નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં લઈ જવામાં આવી તે પછી તેના કુલ દેવામાંથી ૯૨ ટકા દેવું જતું કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

કુલ રૂ. ૨૨,૦૦૦ કરોડના દેવા સામે તમામ દેવું રૂ. ૧૮૦૦ કરોડ લઈને સેટલ કરી દેવામાં આવ્યું હોવાનું ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે. આ સાથે જ તેમણે આક્ષેપ પણ કર્યો છે કે ખાનગી કંપનીઓ રાષ્ટ્રીયકૃત બૅન્કોને રીતસર લૂંટી રહી છે. તેને ક્રેડિટ પર માલ આપનારાઓ અને એનસીએલટીમાં તેમની રકમ માટે દાવો કરનારાએ રૂ. ૬૯૫૩ કરોડ માટે દાવો મૂક્યો હતો. તેમાં પણ એબીજી શિપયાર્ડે ૧૪૮૦કરોડ જ ચૂકવવાના આવ્યા હતા. આમ બૅન્કોની સાથે એબીજી શિપયાર્ડને ક્રેડિટ પર માલ આપનારાઓ પણ ડૂબ્યા છે. 

લોન લીધા પછી કંપની લોન પરત ચૂકવી શકી નહોતી. તેથી લોન પરત ચૂકવી શકે તે માટે ૨૦૧૪માં લોન રિસ્ટ્રક્ચર કરી આપી હતી. ત્યારબાદ ૨૦૧૫માં લોનની રકમનું ૨૦૧૫માં એબીજી શિપયાર્ડની ઇક્વિટીમાં રૃપાંતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૨૦૧૬માં તેની લોનની રકમને એનપીએ-ફસાયેલી મૂડી તરીકે જાહેર કરી દેવામાં આવી હતી. રિઝર્વ બૅન્કે આ ખાતું આઈ.બી.સી.-ઇન્સોલ્વન્સી એન્ડ બૅન્કરપ્સી કોડને સુપરત કરી દીધું હતું. એપ્રિલ ૨૦૧૯માં એનસીએલટીએ કંપનીને ફડચામાં લઈ જવાનો આદેશ કર્યો હતો. ઓલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચલમનું કહેવું છે કે આ ખાતું ૯૨ ટકા ઓછી રકમ લઈને એટલે કે ૯૨ ટકા હેર કટ આપીને સેટલ કરવામાં આવ્યું હતું. રૃા. ૨૨,૦૦૦ કરોડ સામે માત્ર રૃા.૧૮૦૦ કરોડ લઈને જ બૅન્ક એકાઉન્ટ સેટલ કરવામાં આવ્યું હતું. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ બૅન્ક સાથે ફ્રોડ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નવેમ્બર ૨૦૧૯મા ંકરી હતી. ફેબુ્રઆરી ૨૦૨૨માં સીબીઆઈએ તેની સામે એફ.આઈ.આર. ફાઈલ કરી હતી. 

એબીજી શિપયાર્ડના પ્રમોટરોના સત્તા પરના અને સત્તાની બહારના રાજકીય કનેક્શન પણ આ  હેરકટ માટે જવાબદાર હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. પબ્લિક સેક્ટરની અને ખાનગી બૅન્કો પાસેથી મળીને એબીજી શિપયાર્ડના પ્રમોટર્સે રૃા. ૨૨,૦૦૦ કરોડની લોન લીધી હતી. આ લોન આપનારી બૅન્કોમાં મોટાભાગની જાહેરક્ષેત્રની બૅન્કો છે તેમાં સૌથી વધુ નાણાં તેમણે ગુમાવ્યા છે. 

(બોક્સ દોઢ કોલમ)

એબીજી શિપયાર્ડમાં રૂ. ૭૦૦ 

કરોડથી વધુ ગુમાવનારી બૅન્ક

આઈસીઆઈસીઆઈ રૂ.૭૦૮૯ કરોડ

આઈડીબીઆઈ રૂ.૩૬૩૯ કરોડ

સ્ટેટ બૅન્ક રૂ. ૨૯૨૫ કરોડ

બેન્ક ઓફ બરોડા રૂ. ૧૬૧૪ કરોડ

એક્ઝિમ બૅન્ક રૂ.૧૩૨૭ કરોડ

પંજાબ નેશનલ બૅન્ક રૂ. ૧૨૪૪ કરોડ

ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક રૂ. ૧૨૨૮ કરોડ

સ્ટેનચાર્ટ બેન્ક રૂ. ૭૪૩ કરોડ

બૅન્ક અન્ફ ઇન્ડિયા રૂ. ૭૧૯ કરોડ

ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ  રૂ. ૭૧૪ કરોડ

Tags :