For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઘરેથી મતદાન કરવાના પ્રયોગને 80 પ્લસ અને દિવ્યાંગોનો મોળો પ્રતિસાદ

Updated: Nov 22nd, 2022


ચૂંટણી પંચે સુવિધા આપી પણ ખમિરવંત્તા મતદારોને સ્વિકાર્ય નથી

૨૪ હજારથી વધુ વયસ્ક મતદારો પૈકી ૨૩૦ એટલે ફક્ત ૦.૯૫ ટકા મતદારોએ ઘરેથી મતદાનનો વિકલ્પ પસંદ કર્યો

ગાંધીનગર :  ચૂંટણી પંચ દ્વારા આ વખતે વયસ્ક મતદારો તથા દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા કરવામાં આવી હતી. મતદાનની ટકાવારી વધે તે માટે નવતર પ્રયોગના ભાગરૃપે ૮૦ પ્લસના તેમજ દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરી શકે તેવી સુવિધા આપવામાં આવી છે. પરંતુ ગાંધીનગરના વયસ્ક તથા દિવ્યાંગ મતદારો ખમીરવંત્તા છે તેઓએ મતદાન મથકે જઇને જ મતદાન કરવાનું પસંદ કર્યું છે જ્યારે ૮૦ પ્લસના ફક્ત ૨૩૦ અને દિવ્યાંગ ૨૨ મળીને ૨૫૨ મતદારોએ જ ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ અપનાવ્યો છે. જેના માટે પણ તંત્ર હાલ મથી રહ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લામાં બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે ત્યારે સમગ્ર તંત્ર ચૂંટણી કામગીરીમાં ઓતપ્રોત છે તેવી સ્થિતિમાં આ વખતે ચૂંટણી પંચે મતદાન વધે અને વયસ્કો તથા દિવ્યાંગ મતદારોને સુવિધા મળી રહે તે માટે તોએ ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ માટે અગાઉ બીએલઓ મારફતે સર્વે કરીને ૧૨ડી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા પરંતુ ચૂંટણી પંચના આ નવતર પ્રયોગને ગાંધીનગરમાંથી મોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ગાંધીનગરમાં કુલ ૨૭,૫૯૯ વયસ્ક એટલે કે, ૮૦ પ્લસના મતદારો છે. જે પૈકી ફક્ત ૨૩૦ મતદારોએ જ ઘરેથી મતદાન કરવાનું પસંદ કર્યું છે અને આ વિકલ્પ સ્વિકાર્યો છે.૮૦ પ્લસના કુલ મતદારોના સાપેક્ષમાં આ વિકલ્પ પસંદ કરનાર મતદારોની સંખ્યા ટકાવારીમાં જોઇએ તો ફક્ત ૦.૯૫ ટકા જ થાય છે. એટલે કે, એક ટકા જેટલા વયસ્ક મતદારોએ ચૂંટણી પંચની આ સુવિધાનો લાભ લેવા માંગતા નથી તેમ કહી શકાય.

 જો કે,મોટાભાગના ૮૦ પ્લસના મતદારો મતદાન બુથ ઉપર જઇને જ મતદાન કરવાનું પસંદ કરે છે. હવે ઘરેથી મતદાન કરવાનું પસંદ કરનાર આ ૨૩૦ જેટલા મતદારો માટે ચૂંટણી તંત્ર દ્વારા બેલેટ પેપેર મારફતે મતદાન કરાવવામાં આવશે. આ માટે જરૃરી સ્ટાફને તાલીમ આપી દેવામાં આવી છે અને સેવા મતદારો પહેલા આ મતદારોના ઘરેથી મતદાન સ્વિકારીને તેને બંધ કવરમાં બંધ પેટીમાં રાખી દેવામાં આવશે.

Gujarat