વડોદરા: કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
વડોદરા,તા.15 ઓગષ્ટ 2021,રવિવાર
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળીના આંગણે પવિત્ર નર્મદા માવડીના સાનિધ્યમાં કુબેર ભંડારી દાદાએ પણ ભક્તિભાવ સભર વાતાવરણમાં 75માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રને દેવ ગણી એની આરાધના કરવાનો સંદેશ આપ્યો હતો.
સ્વતંત્ર પર્વની ઉજવણી પૂર્વે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત વિશ્વના એકમાત્ર કુબેર ભંડારી મંદિર ખાતે કુબેર દાદાને રાષ્ટ્રીય ધ્વજ સમા કેસરી સફેદ અને લીલા રંગના ફૂલો અને આસોપાલવથી શણગારવામાં આવ્યા હતા તેમજ કુબેર દાદા અને અંબા માતાની મૂર્તિને પણ ધ્વજ સમાન ફૂલોનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો.
કુબેર ભંડારી દાદાની રોજ પ્રાતઃસમયની વૈદિક પૂજા દરમિયાન સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે યજુર્વેદના 10માં અધ્યાયના રાષ્ટ્ર સૂક્તના પાઠનું પઠણ અને કોરોના મહામારીથી પ્રજાને મુક્તિ અપાવવાની પ્રાર્થના સાથે કુબેર દાદા પર દૂધ નર્મદા નીર અને પંચામૃતનો અભિષેક કરી અખંડ ભારત અને પ્રજાની સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી.
કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા ધાર્મિક પ્રસંગો જેટલા જ ઉત્સાહ થી કુબેર ભંડારી શિવાલય ખાતે સ્વતંત્ર દિન અને પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે અને આ અનોખું આયોજન ટ્રસ્ટના મેનેજર રજનીભાઇ પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિદ્વાન ભૂદેવો અને ભક્તોના સહયોગ થી કરવામાં આવે છે.
આ મંદિરની ભૂગર્ભ ગુફામાં જ મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે અતિ મનસ ચેતનાની દિવ્ય સાધના કરી હતી.
મંદિરના પ્રાંગણમાં જે ધર્મ સ્થંભ છે એનો જ ધ્વજ દંડ બનાવીને એના પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવી સલામી અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે કુબેર ભંડારી મંદિરના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે 75માં સ્વતંત્ર દિન નિમિત્તે ભક્તજનોમાં ભક્તિભાવની જેમ રાષ્ટ્ર ભાવમાં વધારો થાય તે પ્રમાણે કુબેર ભંડારી મંદિરને તિરંગાના કેસરી સફેદ અને લીલા પુષ્પો અને આસોપાલવથી શણગારવામાં આવ્યા હતા. નિત્યક્રમ પ્રમાણે થતી પ્રાતઃ સમયની પૂજા આરતીમાં વેદોક્ત અષ્ટાધ્યાયી રુદ્રીના 10માં અધ્યાયના રાષ્ટ્ર સૂક્તના મંત્રોચ્ચારથી કુબેર ભંડારી દાદાને વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રસૂકતના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું હતું.