રામ મંદિરના શિલાન્યાસ માટે ગુજરાતમાંથી 7 સંતોને નિમંત્રણ
- 5 ઓગસ્ટે અયોધ્યા ખાતે યોજાનારા
- બીએપીએસના મહંતસ્વામી મહારાજ, એસજીપીના માધવપ્રિયદાસજી નિમંત્રિત
અમદાવાદ,ગુરુવાર
અયોધ્યા ખાતે
આગામી ૫ ઓગસ્ટે ભગવાન રામની જન્મભૂમિ પર ભૂમિપૂજન થવાનું છે. આ ઐતિહાસિક પ્રસંગમાં
ઉપસ્થિત રહેવા માટે ગુજરાતમાંથી ૭ સંતોને નિમંત્રણ આપવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર ૫ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં
ભૂમિપૂજન કરવામાં આવશે. જમાં કુલ ૨૦૦ નિમંત્રિતો
જ ઉપસ્થિત રહેવાના છે. આ નિમંત્રિતોમાં ગુજરાતના સાત સંતોનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાંથી
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મહંતસ્વામી મહારાજ, અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય
અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ, હિન્દુ ધર્મ આચાર્ય મહાસભાના સંયોજક-મહામંત્રી સ્વામી પરમાત્માનંદજી,
એસજીવીપી ગુરુકુળના અધ્યક્ષ સ્વામી માધવપ્રિયદાસજી, જામનગર પ્રણામી સંપ્રદાયના આચાર્ય
કૃષ્ણમણિજી, વીએચપીના કેન્દ્રિય માર્ગદર્શક મંડળના ધર્માચાર્ય મહંત ગાદીપતિ અખિલેશ્વરદાસજી
મહારાજ, ઈડરના વડીયાવીરના શાંતિગીરીજી મહારાજનો સમાવેશ થઇ રહ્યો છે.
જોકે, આ અંગે
હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. દરમિયાન રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતમાંથી
વિવિધ પવિત્ર સ્થળોની માટી-જળ મોકલવામાં આવેલા છે. જેમાં ચાંદોદ-કરનાળી જેવા તીર્થધામની
માટી, નર્મદાના જળને પણ એકત્રિત કરાયું છે.