ગુજરાતમાં 1 વર્ષમાં 7,673 મહિલા લાપતા, સૌથી વધુ 1,870 અમદાવાદથી
પોલીસની સતર્કતાના કારણે ગૂમ થયેલી 6528 મહિલાઓ પાછી મળી આવી, 1145 મહિલાઓનો પત્તો નથી
ગાંધીનગર : ગુજરાતમાં 2020ના વર્ષમાં કોરોના સંક્રમણનો સમય હતો અને આ સમયમાં રાજ્યમાંથી 7673 જેટલી મહિલાઓ અલગ અલગ કારણોસર ગૂમ થઇ હોવાની ફરિયાદો પોલીસ ચોપડે નોંધવામાં આવી છે પરંતુ સરકારનો દાવો છે કે ગૂમ થયેલી આ મહિલાઓ પૈકી પોલીસે 6528 મહિલાઓને શોધી કાઢી છે.
વિધાનસભામાં ગૂમ થયેલી મહિલા અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે 2020ના વર્ષમાં રાજ્યમાંથી જે મહિલાઓ ગૂમ થઇ છે તેમને શોધવાના પ્રયાસો પણ થયાં છે. અમદાવાદ શહેર એકમાત્ર એવું છે કે જ્યાંથી સૌથી વધુ 1870 મહિલાઓ ગૂમ થઇ છે. બીજાક્રમે 1216 મહિલાઓ સાથે સુરત શહેરનો ક્રમ આવે છે.
ગૃહમંત્રીએ આપેલા આંકડા પ્રમાણે રાજકોટ શહેરમાંથી 390, વડોદરા શહેરમાંથી 327 અને અમદાવાદ ગ્રામ્યમાંથી 95 મહિલાઓ ગૂમ થઇ છે. ગાંધીનગરમાં આ આંકડો 235નો છે. મહિલાઓ ગૂમ થવાની ઘટનાઓ તમામ જિલ્લામાં જોવા મળી છે. જો કે આદિવાસી વિસ્તારોમાં આંકડો નગણ્ય છે. રાજ્યમાં એક વર્ષમાં કુલ 7637 મહિલાઓ ગૂમ થઇ છે તે જોતાં એવું કહી શકાય કે પ્રતિદિન 21 મહિલાઓ ગૂમ થઇ છે.
ગૂમ થયેલી મહિલાઓ પૈકી રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોની પોલીસે કુલ 6528 મહિલાઓને શોધી કાઢી છે. અમદાવાદમાં 1674 મહિલાઓ પાછી આવી છે જ્યારે સુરતમાં 899 મહિલાની ભાળ મળી છે. શહેર અને જિલ્લાઓમાં ગૂમ થયેલી મહિલાઓને શોધવા માટે પોલીસની અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવે છે. સમયાંતરે મિસીંગ ડ્રાઇવનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.