For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગાંધીનગર જિલ્લામાં ધો.૧૦ની પરીક્ષાનું ૬૮.૨૫ ટકા પરિણામ

Updated: May 26th, 2023

Article Content Image

ગાંધીનગર : માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનું ગાંધીનગરનું પરિણામ બાળકો માટે ઉત્સાહ પ્રેરક આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ તેમાં ૩ ટકા જેટલો વધારો થયો છે. જિલ્લાનું પરિણામ ૬૮.૨૫ ટકા જાહેર થયું છે. તેમાં એ-૧ ગ્રેડ મતલબ કે ૯૧થી ૧૦૦ ટકા સુધીના ગુણ મેળવનારા બાળકોની સંખ્યા ૧૮૧ અને ૮૧થી ૯૦ માર્ક્સ સાથે એ-૨ ગ્રેડના મેળવનારા બાળકોની સંખ્યા ૧,૩૫૭ નોંધવામાં આવી છે. બોર્ડના અધિકારી સુત્રોના જણાવવા પ્રમાણે જિલ્લામાં નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયેલા ૨૧,૩૮૭ બાળકો પૈકીના ૨૧,૨૩૯ બાળકોએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૬,૭૨૪ બાળકો નાપાસ પણ થયા હતાં. જેના પગલે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૪,૫૧૫ પર રહી હતી. દરમિયાન જિલ્લામાં ૩૪ પરીક્ષા કેન્દ્રો પૈકી સૌથી ઉંચુ ૮૧.૩૮ ટકા પરિણામ ચરાડા કેન્દ્રનું અને સૌથી નીચું ૪૫.૪૦ ટકા પરિણામ સરઢવ કેન્દ્રનું નોંધાયુ હતું.

ગાંધીનગર જિલ્લામાં ધોરણ ૧૦ના પરિણામની ટકાવારીમાં ગત વર્ષની ૬૫.૮૩ ટકાની સામે વધારો થયો છે. વર્ષ ૨૦૨૧માં કોરોના કાળને લઇને માસ પ્રમોશન અપાયુ હતું. પરંતુ તેના પહેલાના વર્ષોની સરખામણીએ આ વર્ષના પરિણામમાં ઘટાડો નોંધાયો છે. વર્ષ ૨૦૨૦માં ગાંધીનગર જિલ્લાનું પરિણામ ૬૯.૨૩ ટકા આવ્યુ હતું. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૭૧.૯૮ ટકા પરિણામ રહ્યુ હતું. ગત વર્ષની સરખામણીએ એ-૧ ગ્રેડ મેળવનાર બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. એ-૧ ગ્રેડ મેળવનાર બાળકોની સંખ્યા ગત વર્ષે ૩૧૨ નોંધાઇ હતી. તેવી જ રીતે ગત વર્ષે એ-૨ ગ્રેડ મેળનારા બાળકોની સંખ્યા ૧,૫૭૧ હતી.

Gujarat