Get The App

સામાજિક અને અનુસૂચિત જાતિ કલ્યાણ તથા પેટા યોજનામાટે 6400 કરોડ ખર્ચાશે

- અનુસૂચિત જાતિનાં વિદ્યાર્થીઓ માટે 10 નવા સરકારી છાત્રાલયોનું નિર્માણ : 8 નવા કુમાર કન્યા છાત્રાલયો બનશે

- સામાજિક ન્યાય અને અધિકારીતાની અંદાજપત્રીય માગણીઓ મંજુર

Updated: Jul 23rd, 2019

GS TEAM

Google News
Google News
સામાજિક અને અનુસૂચિત જાતિ કલ્યાણ તથા પેટા યોજનામાટે 6400 કરોડ ખર્ચાશે 1 - image

ગાંધીનગર, તા. 23 જુલાઇ 2019, મંગળવાર

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વર પરમારે જણાવ્યું છે કે આ સરકાર ગરીબો, શોષિતો, પીડીતો અને વંચિતોનાં આર્થિક સામાજિક વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અને અમારી સરકારે તેઓનાં સર્વાંગી વિકાસ માટે દ્રઢ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન પણ કર્યું છે. 

વિધાનસભા ગૃહમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની રૂ.8342 કરોડની અંદાજપત્રીય માગણીઓ રજુ કરતાં મંત્રીએ ઉમેર્યુ હતું કે, આ વખતનાં બજેટમાં આ વર્ગોનાં વિકાસ માટે ગત વર્ષ કરતાં 883 કરોડની રકમ વધુ ફાળવી છે. રાજ્યમાં અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, વિચરતી વિમુક્ત જાતિ તેમજ લઘુમતી અને બિન અનામત વર્ગોની 80 ટકાથી વધુ વસ્તી વસવાટ કરે છે ત્યારે તેઓની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરવી એ અમારી નૈતિક ફરજ છે.

રાજ્ય સરકાર દ્વારા આ વર્ષનાં અંદાજપત્રમાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટે રૂ.1147.25 કરોડ સહીત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે રૂ.5277 કરોડ, સમાજ સુરક્ષા માટે રૂ.1141.90 કરોડ, આર્થિક પછાત વર્ગ, લઘુમતી, વિચરતી વિમુક્ત જાતિઓ સહીત બક્ષીપંચ જાતિનાં કલ્યાણ માટે રૂ.1904.97 કરોડ ફાળવ્યા છે.

મંત્રી પરમારે ઉમેર્યુ કે, સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ/વિકસતી જાતિ/દિવ્‍યાંગો/ નિરાધાર મહિલાઓ/ વૃદ્ધો/ ગરીબો વગેરેના સર્વાંગી વિકાસ માટે વર્ષ 2018-19માં કુલ રૂ.3,640 કરોડ 57 લાખની જોગવાઇ સામે આ વર્ષે રૂ.4,211 કરોડ 60 લાખની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યુ કે સમાજનાં અદના આદમીનાં ઉત્થાનની પ્રાથમિક્તા સાથે અમારી સરકાર દિવસ રાત કાર્યરત છે. 

સામાજિક સમરસતા સાથે સામાજિક ન્‍યાયનું સમગ્ર દેશમાં કોઇ શ્રેષ્‍ઠ ઉદાહરણ હોય તો ગુજરાતમાં 9 સ્‍થળોએ બનેલાં 18 સમરસ છાત્રાલયો છે. કુમાર અને કન્‍યાઓ મળી 12,500 વિધાર્થીઓ માટે અદ્યતન સુવિધાવાળા છાત્રાલયો બનાવ્‍યાં છે. આ 12,500 છાત્રોમાં 15% અનુ.જાતિના, 30% અનુ.જનજાતિનાં, 45% બક્ષી પંચ જાતિના અને 10% આર્થિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. 

તેમણે ઉમેર્યુ કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ અને સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત વર્ષ 2019-20માં અનુસૂચિત જાતિ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતીઓ અને વિચરતી-વિમુકત જાતિઓ અને બિન અનામત વર્ગો માટે મુડી-મહેસૂલી સદરે રૂ.3,052 કરોડ 96 લાખની જોગવાઇ કરવામાં આવી છે. શૈક્ષણિક યોજનાઓ માટે અનુસૂચિત જાતિની રૂ.629 કરોડ 66 લાખ અને વિકસતી જાતિની રૂ.1,072 કરોડ 31 લાખ મળી કુલ રૂ.1,701 કરોડ 97 લાખની જોગવાઇ કરવામાં આવી છે. 

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિઓ માટેની આર્થિક ઉત્કર્ષની યોજનાઓ માટે અનુ.જાતિની રૂ.117 કરોડ 26 લાખ અને વિકસતી જાતિની રૂ.139 કરોડ 20 લાખ મળી કુલ રૂ.256 કરોડ 46 લાખની જોગવાઇ કરવામાં આવી છે. આરોગ્‍ય, વસવાટ અને અન્‍ય સામાજિક યોજનાઓ માટે અનુ.જાતિની રૂ.177 કરોડ 10 લાખ અને વિકસતી જાતિની રૂ.156 કરોડ 17 લાખ મળી કુલ રૂ.333 કરોડ 27 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

Tags :