ગુજરાતના ૬૦% એક્ટિવ કેસ માત્ર અમદાવાદ, વડોદરામાં
-છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૧ કેસ
-ગુજરાતમાં કોરોનાના ૩૧૫ એક્ટિવ કેસમાંથી અમદાવાદમાં સૌથી વધુ ૧૨૮, વડોદરામાં ૬૨
અમદાવાદ,ગુરુવાર
ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં કોરોનાના ૩૧ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું
નથી. રાજ્યમાં સળંગ આઠમાં દિવસે એક્ટિવ કેસનો આંક ૩૦૦થી વધારે રહ્યો છે.
છેલ્લા ૨૪ કલાક
દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૧૦, વડોદરામાંથી ૮, સુરતમાંથી ૩, જામનગર-કચ્છ-નવસારીમાં
૨, રાજકોટ-ભરૃચ-ગીર સોમનાથ-પોરબંદરમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં
કોરોનાના કુલ કેસ હવે ૮,૨૭, ૩૨૭ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨ દર્દી કોરોનાથી સાજા
થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૯૨૦ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર
૯૮.૭૪% છે.
રાજ્યમાં હાલ
૩૧૫ એક્ટિવ કેસ છે. જેમાં અમદાવાદ ૧૨૮, વડોદરા ૬૨, સુરત ૨૭, વલસાડ ૧૮, જામનગર ૧૬, રાજકોટ
૧૩ સાથે સૌથી વધુ એક્ટિવ કેસમાં મોખરે છે. આ સ્થિતિએ ગુજરાતના કુલ એક્ટિવ કેસમાંથી
૬૦% માત્ર અમદાવાદ-વડોદરામાંથી છે. રાજ્યમાં ગુરુવારે વધુ ૫.૧૬ લાખને કોરોના વેક્સિન
આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે ૭.૮૯ કરોડ થયો છે.