અમદાવાદથી રતલામ જતી 6 ટ્રેનો હવે છાયાપુરી સ્ટેશનથી જશે
- વડોદરા રેલવે સ્ટેશને હવે આ ટ્રેનો નહીં જાય
- વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટશે, મુસાફરી સમય, ખર્ચમાં બચત થશે
અમદાવાદ,તા.21 માર્ચ 2022, સોમવાર
અમદાવાદથી રતલામ જતી ૬ ટ્રેનો હવે વડોદરાને બદલે છાયાપુરી રેલવે સ્ટેશન થઇને આગળ વધશે. આ ટ્રેનોને હવે વડોદરા સ્ટેશને જવું, એન્જિન બદલીને રિવર્સમાં આવવું તે ઝંઝટ અને સમયના વ્યયમાંથી મુક્તિ મળશે. જેના કારણે ૧૫ થી ૨૦ મિનિટના સમયની બચત થશે.
ઓખા-ગુવાહાટી સાપ્તાહિક એક્સપેસ તા.૨૫ માર્ચથી છાયાપુરી સ્ટેશન થઇને દોડશે. ગાંધીધામ-કામાખ્યા સાપ્તાહિક એક્સપ્રેસ તા. ૨૬ માર્ચથી, ભાવનગર-આસનસોલ એક્સપ્રેસ તા. ૨૯ માર્ચથી, ઓખા-વારાણસી સાપ્તાહિક એક્સપ્રેસ તા.૨૪ માર્ચથી , ગાંધીધામ-હાવડા એક્સપ્રેસ તા. ૨૬ માર્ચથી વડોદરાને બદલે છાયાપુરી સ્ટેશન થઇને સંચાલીત કરાશે.
ભુજ-શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ હાલમાં બંધ છે. આ ટ્રેન પણ જ્યારે ચાલુ થશે ત્યારે તે પણ છાયાપુરી સ્ટેશન થઇને જ દોડશે. પરતમાં પણ આ ટ્રેનો વડોદરા નહીં જાય, બંને દિશાઓમાં આ ટ્રેનો છાયાપુરી રેલવે સ્ટેશનેથી જ અવર-જવર કરશે. જેના કારણે મુસાફરી સમયમાં અને ઇંધણ ખર્ચમાં બચત થશે. આની સાથે વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટતા ત્યાં પણ ટ્રેનોનું સંચાલન સરળ બનશે.
ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં પણ ફેરફાર થયો છે. મુસાફરોએ રેલવેની વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર પરથી આ ટ્રેનોના સંચાલન વિશેની પુરતી માહિતી મેળવીને મુસાફરી અંગેનો નિર્ણય લેવો તેવું રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે.