વડોદરા કોર્પોરેશનમાં ઇ.ડબલ્યુ.એસ આવાસ યોજનાના 2152 મકાનોના ઓનલાઇન 5584 ફોર્મ ભરાયા
- ઓનલાઇન ફોર્મ પ્રક્રિયા હજુ તારીખ 4 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે
- સૌથી વધુ હરણીના મકાનો માટે 2124 ફોર્મ ભરાયા છે
વડોદરા,તા.31 ડિસેમ્બર 2022,શનિવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.ડબલ્યુ.એસ-2 પ્રકારના મકાનો અંગેના ફોર્મનું વિતરણ ગયા વર્ષે શરૂ કરવામાં આવતા લોકોએ ફોર્મ લેવા માટે ભારે ધસારો કર્યો હતો અને હોબાળો મચી જતા છેવટે કોર્પોરેશનએ ફોર્મની પ્રક્રિયા ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. અને ગઈ તારીખ 22 ઓક્ટોબરથી ઓનલાઇન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી. જેની મુદત વધારીને 4 જાન્યુઆરી 2023 કરવામાં આવી હતી, હવે ફોર્મ ભરવાની મુદત પૂરી થવા આડે પાંચ દિવસ બાકી રહ્યા છે. દરમિયાનમાં અત્યાર સુધીમાં 5584 ઓનલાઈન ફોર્મ ભરાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્પોરેશન દ્વારા રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાની ઓફીસ ખાતેથી ફોર્મનું વિતરણ શરૂ કરતાં બહાર લોકોએ સવારના સાત વાગ્યાથી લાઈન લગાવી હતી અને આ લાઈન દાંડિયા બજાર વિસ્તાર સુધી પહોંચી જતા અને લોકોનો ધસારો થતાં પોલીસને બોલાવવી પડી હતી. એ વખતે કોર્પોરેશને એવી જાહેરાત કરી હતી કે લોકોનો પ્રતિસાદ જોતાં જરૂર પડશે તો વધુ ફોર્મ પણ છાપવામાં આવશે. તે સમયે કોર્પોરેશને 2152 મકાનો માટે આશરે બાર હજાર ફોર્મ છપાવ્યા હતા. જેમાં ઘસારો વધી જતા ટોકન સિસ્ટમ શરૂ કરી હતી, પરંતુ છેવટે કોર્પોરેશન એ નક્કી કર્યું હતું કે ફોર્મનું વિતરણ ઓનલાઈન હાથ ધરવું. ઓનલાઇન ફોર્મ પ્રક્રિયા માટે કોર્પોરેશને ઘણી જહેમત લેવી પડી હતી. જોકે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં ઘણો વિલંબ પણ થયો હતો. ઇ.ડબલ્યુ.એસ-2 ના હરણીમાં સિગ્નસ સ્કૂલ નજીક 58, સુભાનપુરામાં હાઈ ટેન્શન રોડ પર 74, ગોત્રીમાં ભેલ ટાઉનશીપ પાછળ 120 અને કલાલીમાં ખિસકોલી સર્કલ પાસે 1900 મકાન છે. જે માટે 1607 ફોર્મ ભરાયા છે. સૌથી વધુ હરણીના 58 મકાન માટે 2124 ફોર્મ ભરાયા છે. આ મકાનો 35 થી 37 ચોરસ મીટરના છે.