ચીન અને પાકિસ્તાન બોર્ડર પર તૈનાત જવાનોને વડોદરામાંથી ૫૫૦૦૦ રાખડીઓ મોકલાઈ
વડોદરાઃ સરહદ પર ગમે તેવી સ્થિતિમાં પણ દેશની રક્ષા કાજે ફરજ બજાવતા સૈનિકોને દેશવાસીઓની હૂંફ અને વાત્સલ્યનો અનુભવ થાય તે માટે શહેરના શિક્ષકે શરુ કરેલુ રાખડીઓ મોકલવાનુ અભિયાન દર વર્ષે વધારેને વધારે વ્યાપક બની ગયુ છે.
આ વખતે રક્ષાબંધન પર્વ પહેલા સતત નવમા વર્ષે શિક્ષક સંજય બચ્છાવ અને તેમના ૧૦૦ જેટલા પૂર્વ વિદ્યાર્થીઓએ વડોદરા સહિત દેશના વિવિધ શહેરોમાંથી તેમજ અન્ય દેશોમાંથી મહિલાઓએ મોકલેલી ૫૫૦૦૦ રાખડીઓ એકઠી કરી છે.જેને દેશની કાશમીર તેમજ અરુણાચલ પ્રદેશની બોર્ડર , સીયાચીન અને ગલવાન ખીણમાં ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓને મોકલવામાં આવી છે.
આજથી નવ વર્ષ પહેલા તેમણે પોતાના કેટલાક વિદ્યાર્થીઓ સાથે હાથે બનાવેલી માત્ર ૭૫ રાખડીઓથી આ અભિયાનની શરુઆત કરી હતી.આ બાબતની જાણ લોકોને થઈ તેમ તેમ દર વર્ષે વધારેને વધારે રાખડીઓ તેમના ગુ્રપને મળતી ગઈ હતી અને આ વર્ષે સંખ્યા ૫૫૦૦૦ પર પહોંચી છે.સંજય બચ્છાવ કહે છે કે, દરેક રાખડીના કવરની પાછળ અમે રાખડી મોકલનાર બહેનોના નામ અને મોબાઈલ નંબર મોકલીએ છે .જેથી સૈનિકોને પણ જાણકારી થાય કે હજારો કિલોમીટર દુર તેમની રક્ષા માટે કોઈ સતત પ્રાર્થના કરી રહ્યુ છે.ઘણી મહિલાઓ રાખડીની સાથે તેમની સલામતીની પ્રાર્થના કરતા સંદેશા સાથેના ગ્રિટિંગ કાર્ડ પણ મોકલે છે.રાખડીના કવર પર મોબાઈલ નંબર હોવાથી કેટલાક કિસ્સામાં તો રાખડી મોકલનાર મહિલાઓને જવાનોના આભાર માનતા ફોન પણ આવે છે.અમુક કિસ્સામાં બહેન માટે કોઈ આર્મી અફસર કે જવાને ભેટ મોકલી હોય તેવુ પણ બન્યુ છે.આ ઘણી ભાવુક પળો હોય છે.
તેમના કહેવા અનુસાર આ વખતે વડોદરા ઉપરાંત ૧૪ રાજ્યોના ૪૦ શહેરો અને ઓસ્ટ્રેલિયા, દુબઈ, અમેરિકા , કેનેડા સહિતના ૧૪ દેશોમાંથી ૫૫૦૦૦ રાખડીઓ અમને મળી છે.જે અમે સૈનિકોને પોસ્ટ થકી રવાના કરીશું.કોરોનાકાળના સમયને બાદ કરતા અમને દર વર્ષે મળતી રાખડીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.આ અનોખા અભિયાનનુ હવે આંતરરાષ્ટ્રીય કરણ થઈ ગયુ છે.