app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા વર્ક પરમિટ વિઝાના બહાને રૂ.5 લાખ પડાવ્યા

Updated: Aug 21st, 2023

image : Freepik

વડોદરા,તા.21 ઓગસ્ટ 2023,સોમવાર

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ દીપ ચેમ્બર્સ ખાતેની લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના સંચાલકો દ્વારા કેનેડા અને આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ચાર વ્યક્તિઓ પાસેથી એડવાન્સ ખર્ચ પેટે રૂ. 5 લાખથી વધુની રકમ પડાવી છેતરપિંડી આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે કન્સલ્ટન્સીના ડાયરેક્ટર સહિતની ત્રિપુટી વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી સમયમાં અન્ય ભોગ બનનાર સામે આવે તો છેતરપિંડીનો આંક વધી શકે તેવી શક્યતા ને નકારી શકાય તેમ નથી.

આ અંગેની વિગત એવી છે કે, શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતો તુષારગીર ગોસાઈ શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, કેનેડા વર્ક પરમિટ માટે જવાનું હોવાથી વર્ષ 2021 દરમિયાન માંજલપુરના દીપ ચેમ્બર્સ ખાતે આવેલ લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનો સંપર્ક સાંધ્યો હતો. જ્યાં આશિષ જયચંદ ગવલી (રહે- શંકરવાડી નવાયાર્ડ રોડ) એ કેનેડા વર્ક પરમીટ પ્રોસેસિંગ ફી પેટે રૂ. 3 લાખનો ખર્ચ જણાવ્યો હતો. અને 60 દિવસમાં વર્ક પરમિટ ન મળે તો તમામ નાણા પરત આપવાની ખાતરી આપી હતી. અને રૂ. 3 લાખ પૈકી રૂ.1 લાખ એડવાન્સ તથા કેનેડા પહોંચ્યા બાદ બાકીના રૂ. 2 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. જેથી રૂ.1.02 ચૂકવ્યા બાદ ઓનલાઇન ઇન્ટરવ્યૂ કર્યો હતો. આ દરમ્યાન કન્સલ્ટન્સીના ડાયરેક્ટર કૃણાલ દિલીપરાવ નિકમ ( રહે - પરમપાર્ક સોસાયટી, માંજલપુર) તેમજ કર્મચારી વિકાસ તુલસીદાસ પટેલ (રહે -દર્શનમ એન્ટીકા, તરસાલી રોડ, દંતેશ્વર) સાથે પણ મુલાકાત થઈ હતી. અને તમામે ત્રણ મહિનામાં લિમિયા સર્ટિફિકેટ આપવાની ખાતરી આપ્યા બાદ લાંબો સમય વિતવા છતાં લીમિયા સર્ટિફિકેટ અથવા વર્ક પરમીટ વિઝા મળ્યા ન હતા. જેથી અવારનવાર નાણાંની પરત માંગ કરતા ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ડાયરેક્ટર સહિતની ત્રિપુટી વિરૂધ્ધ વિશ્વાસઘાત ,છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે, ભોગ બનનારાઓએ આરોપીઓ વિદેશ નાસી છૂટે તેવી દહેશત વ્યક્ત કરી છે.

અન્ય ત્રણ વ્યક્તિઓ પણ છેતરાયાની જાણ થતા પોલીસ મથકે દોડી ગયા 

ભેજાબાજોએ આ પ્રકારે અનેક વ્યક્તિઓ સાથે ચીટીંગ આચર્યું હોવાની આશંકા છે. હાલ ત્રણ વ્યક્તિઓ પાસેથી કેનેડા અને આયર્લેન્ડ વર્ક પરમિટ વિઝા આપવાના બહાને એડવાન્સ રૂપિયા મેળવી છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. જેમાં વાઘોડિયા રોડ ખાતે રહેતા ધવલ ભાલેરાવ પાસેથી કેનેડાના વર્ક પરમિટ વિઝાના ખર્ચ પેટે રૂ.1 લાખ , વાઘોડિયા રોડ ખટંબા ખાતે રહેતા ઉત્કર્ષ પટેલ પાસેથી કેનેડા વર્ક પરમિટના ખર્ચ પેટે રૂ. 2 લાખ, ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતા ચિરાગ ગઢવી પાસેથી આયર્લેન્ડ જવા ખર્ચ પેટે રૂ.1 લાખ ખંખેર્યા છે.

Gujarat