Get The App

વડોદરા કોર્પોરેશનમાં મિલકતવેરાની આવકનો 484.57 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે

Updated: Mar 24th, 2022

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનમાં મિલકતવેરાની આવકનો 484.57 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે 1 - image

- અત્યાર સુધીમાં 483. 71 કરોડની વસુલાત

- વેરો વસૂલ કરવા અત્યાર સુધીમાં 7777 સીલ માર્યા 

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત વેરાનો ચાલુ વર્ષનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે છે. મિલકત વેરાનો બજેટમાં લક્ષ્યાંક વધારીને 484 .57 કરોડનો કરવામાં આવ્યો છે ,અને તેની સામે અત્યાર સુધીમાં આશરે 483.71 કરોડની આવક મળી ચૂકી છે.

જેમાં મિલકત વેરાની આવક 396.11 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 56.88 કરોડ, વિહિકલ ટેક્સની 29. 27 કરોડ અને મીટર જોડાણ વાળા પાણી કનેક્શનની 1.45 કરોડની આવકનો સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા તારીખ 6 જાન્યુઆરી થી અત્યાર સુધીમાં 7777 કોમર્શિયલ મિલકતો સીલ કરી છે. જેમાં ઘણી બંધ મિલકતોનો પણ સમાવેશ થાય છે. બંધ મિલકતનો વેરો બાકી હોય અને સીલ મારેલું હોવાથી તે વેચી શકવાનો પણ પ્રયાસ થઇ શકતો નથી. કોર્પોરેશને અત્યાર સુધીમાં જે મિલકતો સીલ કરી છે તેમાંથી જે મિલકતનો વેરો ભરાઈ જાય છે, તેનું સીલ બાદમાં ખોલી નાખવામાં આવે છે.ગઈકાલે જ કોર્પોરેશન એ 200 મિલ્કતો સીલ કરી હતી. જ્યારે ગઈકાલની વસુલાત 2.97 કરોડની હતી. હવે ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા આડે બાકી રહેલા એક અઠવાડિયામાં લક્ષ્યાંક પૂર્ણ કરવા પ્રયાસ તેજ કરવામાં આવ્યા  છે. રહેણાંક મિલકતનો વેરો બાકી હોય તો કોર્પોરેશન સીલ કરતું નથી. કોર્પોરેશને બાકી વેરાની વસૂલાત માટે પ્રોત્સાહક વેરા વળતર યોજના પણ અમલમાં મૂકી છે. જે 31 માર્ચ સુધી અમલી રહેશે.

વેરા વળતરનો લાભ બાકી રહેલા દિવસોમાં લોકો લઇ શકે તે માટે કોર્પોરેશને રિબેટ નોટિસો છપાવી છે, અને તે બાકીદારોને મોકલવામાં આવી છે. જેમાં બાકીદારોને રીબેટ  યોજનાનો લાભ લઇ વેરો ભરી દેવાનું કહેવાય છે. બાકી વેરો વસૂલ કરવા માટે કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 18 હજારથી પણ વધુ વોરંટ ઇસ્યુ કરાયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23 ના વર્ષમાં મિલકતવેરા આવકનો લક્ષ્યાંક વધારીને 503 કરોડનો કરવામાં આવ્યો છે.