Get The App

વીજ બિલનું ઓનલાઈન પેમેન્ટ કરનારા ગ્રાહકોની સંખ્યા ૪૮ ટકા પર પહોંચી

Updated: Nov 8th, 2023

GS TEAM


Google News
Google News
વીજ બિલનું ઓનલાઈન પેમેન્ટ કરનારા ગ્રાહકોની સંખ્યા ૪૮ ટકા પર પહોંચી 1 - image

વડોદરાઃ વધતા જતા ડિજિટલ ટ્રાન્ઝેક્શનની અસર મધ્ય ગુજરાત વીજ કંપનીના વીજ બિલ પેમેન્ટ પર પણ દેખાઈ રહી છે. વીજ કંપનીના કર્મચારીઓ માટે  બિલ પેટે રોકડ રકમ લેવાની અને ગણવાની કામગીરીમાં છેલ્લા ચારેક વર્ષમાં ભારે ઘટાડો થયો છે.

મળતા આંકડા પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીના સમગ્ર મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના આઠ જિલ્લામાં ૩૪ લાખ જેટલા ગ્રાહકો છે.આ પૈકી ઓનલાઈન પેમેન્ટ કરનારા ગ્રાહકોની સંખ્યા હવે ૪૮ ટકા પર પહોંચી છે.તેમાં પણ આઠ ટકા ગ્રાહકોનો વધારો છેલ્લા આઠ મહિનામાં જ થયો છે.યુપીઆઈ સિસ્ટમના કારણે હવે ડિજિટલ અને ઓનલાઈન  ટ્રાન્ઝેક્શન કરવા આસાન બની ગયા હોવાથી વીજ કંપનીના કર્મચારીઓ પરનુ બિલ સ્વીકારવાની કામગીરીનુ ભારણ સતત ઘટી રહ્યુ છે.

મળતી વિગતો પ્રમાણે ૨૦૨૨-૨૩માં સરેરાશ ૪૦ ટકા ગ્રાહકોએ ઓનલાઈન બિલ પેમેન્ટ કર્યુ હતુ અને ૨૦૨૩-૨૪ના વર્ષના પહેલા આઠ મહિનામાં આ સંખ્યા વધીને ૪૮ ટકા પર પહોંચી છે.જેમાં સ્વાભાવિક રીતે મોટા શહેરોનો ફાળો વધારે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીરે ધીરે ઓનલાઈન પેમેન્ટનુ ચલણ વધી રહ્યુ છે.

બિલની રકમની વાત કરવામાં આવે તો કુલ રકમનુ  ૮૬ ટકા પેમેન્ટ ઓનલાઈન થઈ રહ્યુ છે.જેમ કે ૨૦૨૨-૨૩માં વીજ બિલની કુર રકમ પૈકી ૭૧૦૦ કરોડ રુપિયા લોકોએ ઓનલાઈન ચુકવ્યા હતા અને લગભગ ૨૦૦૦ કરોડ રુપિયા રોકડમાં  ચૂકવ્યા હતા.જ્યારે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૫૧૯૮ કરોડ રુપિયાનુ પેમેન્ટ ઓનલાઈન થયુ છે અને ૮૨૨ કરોડની ચુકવણી રોકડ રકમ સ્વરુપે થઈ છે.

સૂત્રોનુ કહેવુ છે કે, આમ તો દસ વર્ષ પહેલાથી વીજ કંપનીએ ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા શરુ કરી હતી.જોકે તે સમયે મોટાભાગે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી કે પછી ઓનલાઈન બેન્કિંગથી પેમેન્ટ થતુ હતુ પરંતુ છેલ્લા ચારેક વર્ષમાં ઓનલાઈન પેમેન્ટ માટેના એક કરતા વધારે અને સરળ વિકલ્પો ઉપલબ્ધ થયા હોવાના કારણે લોકો હવે ઓનલાઈન પેમેન્ટ તરફ મોટી સંખ્યામાં વળી રહ્યા છે.


Tags :