આગામી સમયમાં ૪૦૦ વંદે ભારત ટ્રેનો દોડતી હશેઃ રાજ્ય કક્ષાના રેલવે મંત્રી
વડોદરાઃ કેન્દ્ર સરકારના ત્રીજા રોજગાર મેળાનુ આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ થકી ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.જેમાં વડોદરાના ૧૨૬ સહિતના દેશના ૭૧૦૦૦ કરતા વધારે સફળ ઉમેદવારોને રેલવેમાં નોકરી માટે નિમણૂંક પત્ર અપાયા હતા.
આ માટે વડોદરાના એફજીઆઈ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હાજર રહેલા રેલવેના રાજ્ય કક્ષાના મંત્રી દર્શના જરદોશે કહ્યુ હતુ કે, દેશમાં આગામી વર્ષોમાં સૌથી વધારે નોકરી રેલવે આપનાર છે.રેલવે નવુ માળખુ ઉભુ કરી રહી છે અને આવનારા સમયમાં ૪૦૦ જેટલી વંદેભારત ટ્રેનો દેશમાં દોડતી હતી.સાથે સાથે બુલેટ ટ્રેનનો પ્રોજેકટ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોટાભાગની જમીન સંપાદન થઈ ગઈ છે.
તેમણે કહ્યુ હતુ કે, સુરતમાં મલ્ટીમોડેલ હબ સ્ટેશન બની રહ્યુ છે.અહીંયા ઉતરનાર મુસાફર સીધી મેટ્રો કે બીઆરટીએસની બસ પકડી શકે તેવી વ્યવસ્થા હશે.દેશભરમાં આગામી ૨૫ વર્ષના પ્લાનિંગને ધ્યાનમાં રાખીને સોલર સિસ્ટમ, રેસ્ટોરન્ટ, રેસ્ટ રુમ્સ સાથેના સ્ટેશનો તૈયાર કરાઈ રહ્યા છે.
રેલવે મંત્રીએ એમ પણ કહ્યુ હતુ કે, રેલવેનુ ખાનગીકરણ થવાનુ નથી.રેલવેની જમીન પરના ગેરકાયદે દબાણો પર સરકાર દુર કરી રહી છે.