આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 4 કેસ શહેરમાં વધુ 2 દર્દી નોંધાતા તંત્ર હરકતમાં
- જિલ્લામાં દરરોજ નવા વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો
- કોરોનાના હોટ સ્પોટ ખંભાતમાં એક અને સારસા ગામે એક કેસ નોંધાતા દર્દીના પરિવારના સભ્યોને હોમ કર્વારન્ટાઈન કરાયા
આણંદ, તા.19 જૂન 2020, શુક્રવાર
ગુરૃવારના રોજ આણંદ જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા એક સાથે સાત કેસ નોંધાયા બાદ આજે જિલ્લામાં કોરોનાનો પ્રકોપ જારી રહેવા પામ્યો હતો. જિલ્લાના વધુ એક નવા વિસ્તારને ભરડામાં લેતા સારસા ગામેથી પણ કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. ઉપરાંત આણંદ શહેરમાંથી બે અને ખંભાત ખાતેથી પણ કોરોનાનો એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી જિલ્લામાં કોરોના વાયરસનું જોર વધતા જિલ્લાવાસીઓમાં ફફડાટની લાગણી વ્યાપી જવા પામી છે. તો બીજી તરફ રોજરોજ નવા વિસ્તારમાંથી કોરોનાના કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્રની પણ ઉંઘ ઉડી જવા પામી છે.
ગુરૃવારના રોજ આણંદ જિલ્લામાં કોરોના બોમ્બ ફુટતા જિલ્લાના આંકલાવ, આસોદર, ઉમરેઠ, વિદ્યાનગર, પેટલાદ અને ખંભાતમાં મળી એક જ દિવસમાં કુલ સાત કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો. બીજી તરફ આજે શુક્રવારના રોજ પણ જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ જારી રહેવા પામ્યો છે અને આજે જિલ્લાના આણંદ, ખંભાત તથા સારસામાં મળી કોરોનાના કુલ ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે. ગતરોજ આણંદ પાસેના વિદ્યાનગરમાં કોરોના વાયરસે પગપેસારો કર્યા બાદ આજે જિલ્લાના વધુ એક નવા વિસ્તાર એવા સારસામાં કોરોના વાયરસે પગપેસારો કરતા પ્રજાજનોમાં ભારે ફફડાટની લાગણી વ્યાપી છે.
આણંદ તાલુકાના સારસા ગામે સત્કૈવલ સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષીય પુરૃષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. વડોદરાની એક લેબમાં તેઓનો ટેસ્ટ કરાવતા તેઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ તેઓની હાલત સ્થિર છે. ઉપરાંત જિલ્લાના હોટસ્પોટ બનેલ ખંભાતના અલીંગ ચાર રસ્તા વિસ્તારમાં રહેતા એક ૨૧ વર્ષીય યુવકનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આણંદની જનરલ હોસ્પિટલમાં તેઓને આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત આણંદ શહેરના ૧૦૦ ફૂટ રોડ ઉપરથી પણ કોરોનાના બે પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ ક્રિષ્ના પાર્ક ખાતે રહેતી એક ૨૩ વર્ષીય યુવતીની તબિયત લથડતા અમદાવાદ ખાતેની લેબમાં તેણીનો કોરોના ટેસ્ટ કરાવતા કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેણીને કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.
સાથે સાથે ૧૦૦ ફૂટ રોડ ઉપર આવેલ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે રહેતા એક ૩૮ વર્ષીય યુવકનો પણ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આણંદ શહેરમાંથી કોરોનાના બે પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની ટીમો આજે કોરોનાગ્રસ્ત દર્દીના વિસ્તારોમાં પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સેનીટાઈઝ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને કોરોન્ટાઈન કરી તબીબી પરીક્ષણ હાથ ધર્યું હતું. આ સાથે આણંદ જિલ્લામાં કોરોનાના કુલ પોઝીટીવ દર્દીઓનો આંક ૧૪૫ ઉપર પહોંચ્યો છે. આણંદ તાલુકાના સારસા ગામના કોરોનાગ્રસ્ત દર્દીને થોડા દિવસ પૂર્વે ઉધરસની તકલીફ થતા સારસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
પરંતુ તબિયતમાં સુધારો ન થતા આણંદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.