અમદાવાદના ઓઢવ, વિરાટનગર, મેમ્કો અને નરોડામાં 4 ઇંચ વરસાદ
- સોમવારે રાત્રે 8 થી 10 માં ધોધમાર વરસાદ પડયો
- બે કલાકમાં શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, શાહીબાગ, મીઠાખડી અંડરપાસ બંધ કરાયા
અમદાવાદ,તા.17 ઓગષ્ટ 2020, સોમવાર
અમદાવાદ શહેરમાં સોમવારે મોડી સાંજે ભારે વરસાદ શરૂ થયો હતો. રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધીના બે કલાકમાં જ શહેરમાં ઓઢવ, વિરાટનગર, મેમ્કો અને નરોડામાં ૪ ઇંચ જેટલો ભારે વરસાદ પડી ગયો હતો. ચકૂડિયા, મણિનગર, વટવામાં ૩ ઇંચ જેટલો , પાલડી, દાણાપીઠ, દૂધેશ્વરમાં અઢી ઇંચ જેટલો તેમજ ઉસ્માનપુરા અને કોતરપુરમાં બે ઇંચ તેમજ ચાંદખેડા અને રાણીપમાં એેક ઇંચ થી વધુનો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરભરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જતા મોટી સંખ્યામાં વાહનચાલકો અટવાતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસમાં પાણી ભરાતા મોડી રાત્રે તે વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ કરાયા હતા.
અમદાવાદ શહેરમા ંસોમવારે દિવસ દરમિયાન ફક્ત વરસાદી છાંટા પડયા હતા. ઉત્તર ઝોનમાં બપોરે નરોડામાં એક ઇંચથી વધુ અને મેમ્કોમાં પોણા ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સિવાય શહેરના તમામ વિસ્તારોમાં માત્ર પાંચ મિ.મી. સુધીના વરસાદી છાંટા પડયા હતા.
મોડી સાંજે શહેરભરમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં રાત્રે ૮ વાગ્યા પછી એકાએક ભારે અને એકધારો વરસાદ વરસવાનો શરૂ થયો હતો. પૂર્વ અને દક્ષિણ ઝોનમાં દોઢ ઇંચથી વધુનો વરસાદ એક કલાકમાં પડી ગયો હતો. જેના કારણે ઓઢવ, ચકૂડિયા, વટવા , મણિનગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઇ હતી.
રાત્રે ૮ થી ૯ ના એક કલાકમાં શહેરમાં સરેરાશ પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પૂર્વ ઝોનમાં સૌથી વધુ ઓઢવમાં ૪૦ મિ.મી. , ચકૂડિયામાં ૨૭.૫૦ મિ.મી. ્અને વિરાટનગરમાં ૩૪.૫૦ મિ.મી.જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. દક્ષિણ ઝોનમાં મણિનગરમાં ૩૦ મિ.મી. અને વટવામાં ૩૯.૫૦ મિ.મી.વરસાદ થયો હતો. શહેરના બાકીના ઝોન અને વિસ્તારમાં એક કલાકમાં મહત્તમ અડધા ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
એક કલાક બાદ વરસાદ હળવો થવાને બદલે વધ્યો હતો. રાત્રે ૯ થી ૧૦ માં ચકૂડિયામાં ૪૧.૫૦ મિ.મી., ઓઢવમાં ૫૭.૫૦ મિ.મી., વિરાટનગરમાં ૫૮.૫૦ મિ.મી.જેટલો એટલેકે એક કલાકમાં બે ઇંચ વરસાદ તૂટી પડયો હતો. તેવી જ રીતે પશ્ચિમ ઝોનમાં પાલડીમાં ૪૧.૫૦ મિ.મી., ઉસ્માનપુરામાં ૪૦.૫૦ મિ.મી., ચાંદખેડામાં ૨૩.૫૦ મિ.મી., અને રાણીપમાં ૨૬ મિ.મી.વરસાદ પડયો હતો.
મધ્ય ઝોનમાં દાણાપીઠમાં ૪૬ મિ.મી., દૂધેશ્વરમાં ૫૨ મિ.મી. ઉત્તર ઝોનમાં મેમ્કોમાં ૭૧ મિ.મી., નરોડામાં ૬૨.૫૦ મિ.મી., અને કોતરપુરમાં ૪૪ મિ.મી.વરસાદ ખાબક્યો હતો. મણિનગરમાં ૪૨ મિ.મી.અને વટવામાં ૩૧ મિ.મી.વરસાદ પડી જતા શહેરભરમાં ચારે તરફ પાણી જ પાણી ભરાઇ ગયા હતા.
વરસાદી પાણીનો ફ્લો એકાએક વધી જતા પાણી નિકાલની સમસ્યા સર્જાઇ હતી. જેમાં ગટરો પણ બેક મારવા લાગતા અજિત મીલ, ઓઢવ ફાયર સ્ટેશન, છોટાલાલની ચાલી, રખિયાલ, હાટકેશ્વર, સીટીએમ, જશોદાનગર, રાજેન્દ્ર પાર્ક, ખારીકટ કેનાલના પટ્ટાનો વિસ્તાર,ખોખરા, મણિનગરમાં ગોરનો કુવો સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકો ઠેરઠેર અટવાઇ પડયા હતા.
ઢીંચણસમા પાણી વચ્ચે ટુ-વ્હિલર વાહનો અધવચ્ચે ખોટકાતા વાહનચાલકોએ ધક્કા મારવાની નોબત આવી પડતા તેઓ ભારે કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા હતા. રાત્રે બે કલાકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદે વરસાદે મ્યુનિ.તંત્રની પોલ ખોલી નાંખી હતી. તૂટેલા રોડ, ઉભરાતી ગટરોએ પ્રિ-મોન્સુન પ્લાનના ધજાગરા કરી નાંખ્યા હતા. ચાર ઇંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારો રીત સરના બેટમાં ફેરવાઇ ગયા હતા.
ગોમતીપુર વોર્ડમાં સોનીની ચાલી, અજિત મીલ, રખિયાલ મચ્છી માર્કેટ, શિતલ સિનેમાં સહિતના વિસ્તારોમાં ઢિંચણસમા પાણી ભરાઇ જતા આ વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો. કેટલીક ચાલીઓમાં ઘરોમાં પાણી ભરાઇ જતા સ્થાનિક લોકો પરેશાન થયા હતા.
આ મામલે ગોમતીપુર વોર્ડની કોર્પોરેટર આફરીન પઠાણના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં સ્થિતિ ગંભીર છે. ગટરોના પાણી પણ ઉભરાઇ રહ્યા છે. લોકોની ફરિયાદ વચ્ચે પાણી નિકાલ માટે ગોમતીપુર મ્યુનિ.કંટ્રોલરૃમમાં ફોન કરવા છતાંય કોઇ ફોન ઉપાડતું નહોતું. જેના કારણે રાતભર લોકોએ યાતના સભર વિતાવવી પડી હતી.
અમદાવાદમાં સોમવારે રાત્રે ૮થી ૧૧ વાગ્યા સુધીમાં પડેલા વરસાદના આંકડા (મિ.મી.)
વિસ્તાર |
વરસાદ(
મિ.મી.) |
|
ચકૂડિયા |
૯૨.૫૦ |
|
ઓઢવ |
૧૧૮.૦૦ |
|
વિરાટનગર |
૧૧૮.૦૦ |
|
પાલડી |
૭૮.૫૦ |
|
ઉસ્માનપુરા |
૪૮.૫૦ |
|
ચાંદખેડા |
૪૦.૦૦ |
|
રાણીપ |
૪૦.૦૦ |
|
બોડકદેવ |
૨૪.૫૦ |
|
ગોતા |
૧૩.૫૦ |
|
સરખેજ |
૩૩.૫૦ |
|
દાણાપીઠ |
૭૧.૦૦ |
|
દૂધેશ્વર |
૭૨.૦૦ |
|
મેમ્કો |
૧૨૧.૫૦ |
|
નરોડા |
૧૧૩.૦૦ |
|
કોતરપુર |
૭૪.૫૦ |
|
મણિનગર |
૧૦૯.૦૦ |
|
વટવા |
૭૩.૦૦ |
|
સરેરાશ |
68.47 |
|