શારીરિક-માનસિક ત્રાસ અને દહેજના આક્ષેપ સાથે વડોદરામાં પરણીતાઓની ચાર ફરિયાદ : 12 વિરુદ્ધ ગુનો
image : Freepik
- એક કિસ્સામાં મેક્સિકન મહિલા સાથેના ફોટો બાબતે પૂછતા પતિએ અફેર હોવાનું જણાવ્યું
વડોદરા,તા.3 ઓગષ્ટ 2023,ગુરૂવાર
વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકે પતિ તથા સાસરિયાંઓ દ્વારા અવારનવાર શારીરિક - માનસિક આપી દહેજના આક્ષેપ સાથે ચાર અલગ-અલગ ફરિયાદો નોંધાવા પામી છે. જેના આધારે પોલીસે પતિઓ સહિત સાસરી પક્ષના 12 સભ્યો સ્ત્રી અત્યાચાર, મારામારી ,ધાકધમકી સહિતની કલમો હેઠળ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ પંચમહાલની અને હાલ સમા સાવલી રોડ ખાતે રહેતી 28 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2022 દરમિયાન ધવલ દિનેશભાઈ રાણા (રહે-વૃંદાવન ટાઉનશિપ) સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. નગરપાલિકામાં લગ્નના રજીસ્ટ્રેશન માટે પતિએ મારી સાથે ઝઘડો કર્યો હતો. અને સાસુ સસરા તથા દિયર અવારનવાર મને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. કારના હપ્તા પાસે સાસરિયાઓe મારી પાસે નાણાંની માંગણી કરતા હુંએ ઇનકાર કર્યો હતો. અને મને પોલેન્ડ જવા માટે કેટલા નાણાનો બંદોબસ્ત કરવા જણાવતા હતા. અને પતિએ હું તને રાખવા માંગતો નથી અને તને પોલેન્ડ પણ લઈ જવા માંગતો નથી તેવું જણાવ્યું હતું. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત સાસરી પક્ષના ચાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
બીજા બનાવમાં સન ફાર્મા રોડ ખાતે રહેતી 34 વર્ષીય મહિલાએ ફરિયાદમાં કહ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2014 દરમિયાન અનીશ રાજેશભાઈ ઠક્કર (રહે-અમદાવાદ )સાથે થયા હતા. લગ્ન બાદ ઘરકામ બાબતે પતિ અવારનવાર ઝઘડો કરી મારી જિંદગી બગાડી નાખી છે તેવા ટોણા મારતો હતો. સાસરીમાં મારો પ્રથમ જન્મદિવસ હોય જન્મદિવસ ઉજવણી ની વાત કરતા પતિ ગુસ્સે ભરાયો હતો. ઘર ખર્ચ માટે પણ પૈસા આપતા ન હતા. પતિ ક્રિકેટનો સટ્ટો રમતા હોય અવારનવાર દારૂના નશામાં મને મારઝૂડ કરતા હતા. પતિએ ઝઘડો કરી દીકરીના રમકડા પણ તોડી નાખ્યા છે. હું એ પોલીસનો સંપર્ક સાંધવાનો પ્રયાસ કરતા મારા હાથમાંથી મોબાઇલ ફોન છીનવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ફરિયાદના આધારે પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં આજવા રોડ ખાતે રહેતી 38 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015 દરમિયાન મારા લગ્ન ભરત ટહેલવાની (રહે-એસ.કે કોલોની, વારસિયા) સાથે થયા હતા. લગ્ન બાદ પતિ, સાસુ, જેઠ, જેઠાણી, નણંદ મારી સાથે તોછડું વર્તન કરી મને પરેશાન કરતા હતા. અલગ મકાન ખાતે રહેવા ગયા બાદ તેના હપ્તા પણ હું ભરતી હતી. સાસરિયાંઓ ભેગા મળી એક સંપ થઈ પિયરમાંથી પાંચ લાખ દહેજ પેટે લઈ આવવા દબાણ કરે છે. જેનો હુંએ ઇનકાર કરતા મને ઘરમાંથી કાઢી મૂકી છે. ફરિયાદના આધારે પોલીસે પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ચોથા બનાવમાં મૂળ નવસારીની રહેવાસી અને હાલ વાસણા ભાયલી રોડ ખાતે રહેતી 39 વર્ષીય મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ મારા લગ્ન બાદ છુટાછેડા થયા છે અને સંતાનમાં 18 વર્ષની દીકરી છે. ત્યારબાદ મેરેજ બ્યુરો વેબસાઈટ ઉપરથી યુએસએના રહેવાસી અને મૂળ રહે ભાયલીના ધવલ કિર્તીભાઈ દેસાઈ સાથે સંપર્ક થયો હતો. અને તેમણે મારી સાથે લગ્ન કરી દીકરીને સ્વીકારવાની વાત કરી હતી. વર્ષ 2021 દરમિયાન અમારા લગ્ન થયા હતા. લગ્નના એક મહિના બાદ તેઓ વડોદરા મારી સાથે રહ્યા હતા અને ત્યારબાદ યુએસએ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ મારા પતિએ મારી સાથે વાતચીત કરવાનું બંધ કરી જણાવ્યું હતું કે હું તને અમેરિકા બોલાવા માંગતો નથી. અને મારો તથા મારા માતા-પિતા અને સંબંધીઓના નંબર બ્લોક કરી દીધા હતા. સાસુ સસરા ધવલ ડિપ્રેશનની સારવારમાં હોવાનું જણાવી ધીરજ રાખવાનું જણાવતા હતા. ત્યારબાદ પતિનો મેક્સિકન મહિલા સાથે ફોટો હોય તે બાબતે પૂછતા પતિએ અફેર હોવાનું જણાવ્યું હતું. સાસુ સસરાએ મને કારણ વગર ઘરમાંથી બહાર કાઢી મૂકી ઘર બંધ કરી જતા રહ્યા હતા. ફરિયાદના આધારે પોલીસે પતિ અને સાસુ સસરા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ કરી છે.