વડોદરા કોર્પોરેશનમાં હજી 39,000 લોકોએ વ્યવસાય વેરો ભર્યો નથી


- 31,130 ખાતાનો 32.71 કરોડનો વેરો ભરાયો

- વ્યવસાય વેરાની સમાધાન યોજના તારીખ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે 

વડોદરા,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હજી આશરે 39,000 લોકોએ વ્યવસાય વેરો ભરવાનો બાકી છે. બીજી બાજુ વ્યવસાય વેરો નહીં ભરનારાઓ માટે રાજ્ય સરકારે વ્યવસાય વેરા સમાધાન યોજના જાહેર કરી છે. જે તારીખ 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેવાની છે. કોર્પોરેશને વર્ષ 2022-23માં વ્યવસાય વેરાની આવકનો લક્ષ્યાંક 52.75 કરોડ રાખ્યો છે. કોર્પોરેશન દ્વારા તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનની હદમાં વ્યવસાય કરતાં વ્યવસાયકોને વ્યવસાય વેરો ભરી દેવા અગાઉ સૂચના આપી હતી જોકે તે પછી રાજ્ય સરકાર દ્વારા વેરા સમાધાન યોજના અમલી બનાવી છે. કોર્પોરેશનમાં પીઆરસી એટલે કે રજીસ્ટ્રેશનવાળા અને પીઈસી એટલે કે એમ્પ્લોયરના કુલ મળીને આશરે 71,300 ખાતા છે. જેમાં તારીખ 1 એપ્રિલ થી તારીખ 7 નવેમ્બર સુધીમાં પીઈસીના 54,316માંથી 19,642 ખાતાનો 5.34 કરોડનો અને પીઆરસીના 17,733 ખાતામાંથી 11,488 ખાતાનો 25.83 કરોડનો વ્યવસાય વેરો ભરાયો છે. આમ, બંને મળી 31,130 ખાતાનો 32.71 કરોડનો વ્યવસાય વેરો તારીખ 7 નવેમ્બર સુધીમાં ભરાયો છે. બિન નોંધાયેલા પ્રોફેશનલ્સ અને એમ્પ્લોયર તેમજ નોંધાયેલા પ્રોફેશનલ્સ અને એમ્પ્લોયર માટેની વ્યવસાય વેરા સમાધાન યોજના 2022 માં વ્યાજ, દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુક્તિ, રજીસ્ટ્રેશન, ઉઘરાવેલો વ્યવસાય વેરો કોર્પોરેશનમાં જમા ન કરાવ્યો હોય તો વેરાની રકમ એમ્પ્લોયર દોઢ ટકા વ્યાજની રકમ સાથે ચૂકવે તો દંડનીય કાર્યવાહી માંથી મુક્તિ સહિતની જુદી જુદી રાહત અપાશે. આ યોજના હેઠળ રાહત મેળવનારે નિયત નમૂનામાં અરજી કરવાની રહે છે તેમ જ કોર્પોરેશનની જે તે વોર્ડ કચેરીમાં વધુ સમજ અને જાણકારી મેળવવા અગાઉ કોર્પોરેશન દ્વારા જણાવાયું હતું.

City News

Sports

RECENT NEWS