ગાંધીનગર જિલ્લામાં 'ભારતમાલા' પ્રોજેક્ટમાં ૩૭૦ હેક્ટર જમીન હવે સંપાદિત નહીં કરાય
દિલ્હી સુધી ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા આખરે સરકારે નમતુ
જોખ્યું
અગાઉ જિલ્લામાંથી ૮૭૫.૯૯ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવનાર
હતી હવે ૫૦૫.૪૬ હેક્ટર જમીન પર હાઇવે બનશે
ગાંધીનગર : દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે અગાઉ રાજપત્ર બહાર પાડીને ગાંધીનગર જિલ્લામાં કુલ ૮૭૫.૯૯ હેક્ટર જમીન સંપાદન કરવાના હૂકમ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ ખેડૂતોનો વિરોધ તથા બજારભાવે વળતરની માંગણીને પગલે હાઇવેની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યા છે જેના પગલે કુલ ૩૭૦.૪૬ હેક્ટર જેટલી જમીન સંપાદિત થતી બચાવી લેવામાં આવી છે અને હવે ૫૦૫.૪૬ હેક્ટર જમીન ઉપર હાઇવે અંગેની કામગીરી કરવામાં આવશે. જે માટે જોઇન્ટ મેજરમેન્ટની ફી ભરી દેવામાં આવી છે આગામી દિવસોમાં માપણી શરૃ કરાશે .
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીનો એકસપ્રેસ
હાઇવે બનાવવામાં આવશે જે માટે હાઇવે ઓથોરિટી અને સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને
અમદાવાદ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગામોની જમીન સંપાદન કરવા માટે અગાઉ જાહેરનામું
પ્રસિધ્ધ કરવામાં આવ્યુંહતું સર્વે નંબર સહિત જાહેનામું પ્રસિધ્ધ કરીને ભારત
સરકારે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનું મન મક્કમ બનાવી દીધું છે ત્યારે ખેડૂતોનો
વિરોધ આ અંગે યથાવત્ છે. મહામુલી જમીન જતી હોવાને કારણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતો
તથા આગેવાનોએ કલેક્ટરથી લઇને કેન્દ્ર સરકાર સુધી રજુઆત કરી હતી.જેના પગલે હાઇવે
ઓથોરિટીને રોડ ડિઝાઇનમાં ફેરફાર કરવાની ફરજ પડી હતી અને હાઇવે ઉપરથી નીચે ઉતરવાના
અને ચઢવાના આઠડા ટાઇપના ફ્લાવર બ્રીજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ જાહેરનામા
પ્રમાણે ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાં મળીને કુલ ૮૭૫.૯૯ હેક્ટર જમીન સંપાદિત
કરવાની થતી હતી હવે રોડ ડિઝાઇનમાં ફેરફાર કરવાને કરણે ૩૭૦.૪૬ હેક્ટર જમીન બચાવી
લેવામાં આવી છે અને ૫૦૫.૫૩ હેક્ટર જમીન સંપાદિત કરીને તેના ઉપર હાઇવે બનાવવામાં
આવશે. આ અંગે તાજેતરમાં કલેક્ટર કક્ષાએ મળેલી સંપાદનની બેઠકમાં જોઇન્ટ મેજરમેન્ટ
માટે ફી ભરાઇ ગઇ હોવાને કારણે આગામી દિવસોમાં ડીઆઇએલઆર દ્વારા માપણી સહિતની
કામગીરી શરૃ કરશે.
વિરોધને પગલે હાઇવે ઓથોરિટીને રોડ ડિઝાઇનમાં ફેરફાર કરવો
પડયો
ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકામાંથી ભારતમાલા પ્રોજેક્ટ
અંતર્ગત જમીન સંપાદન કરવા માટે જાહેરનામું બહાર પાડતા જ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
હતો. લેખિત વાંધા આપવાની સાથે સાથે અસરગ્રસ્ત મંડળ બનાવીને સત્યાગ્રહ છાવણીએ
પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત કલેક્ટરથી લઇને કેન્દ્ર સરકારને પણ આવેદનપત્ર
આપવામાં આવ્યું હતું જેને લઇને હાઇવે ઓથોરિટીને રોડ ડિઝાઇનમાં ફેરફાર કરવાની નોબત
આવી છે. અગાઉ જિલ્લામાં પિંપળજ,
છાલા તથા ગલુદણ ખાતે એમ ત્રણ જગ્યાએ બટરફ્લાય બ્રીજ એટલે કે, આઠડા પાડવાના હતા
જેમાં બે જગ્યા રદ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, પીંપળજ અને
ગલુદણના આઠડા રદ કરીને ત્યાં ઉતરવા-ચઢવા માટે કટ આપી દેવાશે. આ ઉપરાંત સાઇડમાં
વધારાની જમીન કપાતમાં લેવાની હતી તે પણ રદ કરવામાં આવી છે.
કલોલ અને માણસામાં ૨૧૧ હેક્ટર ઉપરાંત
ગાંધીનગર અને દહેગામમાંથી ૬૭૦ હેક્ટર જમીન સંપાદન કરવાની
હતી
દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે અગાઉ
ગાંધીનગર અને દહેગામ તાલુકાનું નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત
કુલ ૬૭૦.૬૭ હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતુંજેના સર્વે નંબર પણ જાહેર
કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કલોલ અને માણસા તાલુકાના ગામોમાંથી વધુ ૨૧૧.૭૭ હેક્ટર
જમીન સંપાદન આ પ્રોજેક્ટ માટે કરતું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું હતું. કુલ
૮૭૫.૯૯ હેક્ટર જમીન સંપાદન કરવાની હતી.જેમાં હવે ૩૭૦.૪૬ હેક્ટર જમીન રદ કરી
દેવામાં આવતા ૫૦૫.૫૩ હેક્ટર જમીન જ સંપાદિત કરવામાં આવશે.