36મી નેશનલ ગેમ્સ : વડોદરામાં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતું સમારકામ ઝડપથી પૂર્ણ કરવા સુચના
- નેશનલ ગેમ્સના આયોજન પૂર્વે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ વડોદરાની મુલાકાત લીધી
વડોદરા,તા.16 સપ્ટેમ્બર 2022,શુક્રવાર
૩૬મી નેશનલ ગેમ્સની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર એકતા બિશ્નોય અને તેમની ટીમએ વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નિરીક્ષણ કર્યું હતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ચાલતું રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ કરવા તેમજ અન્ય જરૂરી સુધારા કરવા સૂચના આપી હતી.
36 મી નેશનલ ગેમ્સ 7 વર્ષ પછી રાજ્યના છ મહાનગરોમાં યોજાવા જઈ રહી છે. જેમાં 36 જેટલી અલગ અલગ રમતોમાં રમતવીરો પોતાનું કૌશલ્ય દર્શાવશે. 29 સપ્ટેમ્બર થી 12 ઓક્ટોબર સુધી આ રમતગમતની સ્પર્ધા યોજાશે. જેમાં 4 હજાર જેટલા ઓફિસર્સની છત્ર છાયામાં 7 હજાર જેટલા ખેલાડીઓ ભાગ લેશે. વડોદરા શહેરમાં જીમ્નાસ્ટિક અને હેન્ડબોલની બે રમત રમાવા જઈ રહી છે ત્યારે તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પણ બે રમતોના પ્રતિનિધિત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 15 થી 18 સપ્ટેમ્બર દરમિયાન 36 મી નેશનલ ગેમ્સના પ્રચાર પ્રસાર હેતુ વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.
વડોદરા સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે દિલ્હીથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટરની ટીમ વડોદરા ખાતે આવી હતી જ્યાં તેઓએ રમત ગમત વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી નેશનલ ગેમ્સના જે નિયમો બનાવ્યા છે તે પ્રમાણે વ્યવસ્થિત આયોજન કરવા જણાવ્યું હતું
તેમણે જણાવ્યું હતું કે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માં કેટલીક જગ્યાએ સમારકામ ચાલી રહ્યું છે તે વહેલી તકે પૂર્ણ કરવા માં આવે તેવી સૂચના આપી છે સાથે સાથે રમતવીરોને જે જરૂરી સવલત પ્રાપ્ત થાય તેમાં વોર્મિંગ અને ચેન્જિંગ માટેની જગ્યા છે તેમાં પણ ફેરફાર કરવા સૂચન કર્યું છે.
ખેલાડીઓ અને તેમની સાથે આવનારા ઓફિસર્સ ને રહેવાની વ્યવસ્થા ની જાણકારી પણ તેઓએ મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો
વડોદરાના મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના છ શહેરોમાં સાત વર્ષ પછી નેશનલ ગેમ્સ રમાવાની છે ત્યારે વડોદરાને જીમ્નાસ્ટિક અને હેન્ડબોલ ની બે રમતો મળી છે તે આનંદની બાબત છે આ બે રમતની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે દિલ્હીથી નેશનલ સ્પોર્ટ્સ ઓથોરિટીના અધિકારીઓની ટીમ આવી હતી અને તેઓએ જરૂરી સૂચનાઓ આપી છે તેનો અમલ કોર્પોરેશન દ્વારા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે અને સાથે સાથે વડોદરામાં આવનારા ખેલાડીઓ અને ઓફિસર્સ માટે પણ રહેવાની અન્ય જરૂરી સવલતોની પણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.