વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના 35 આચાર્યો અને શિક્ષકો અમદાવાદ IIM ની મુલાકાતે
Updated: Aug 11th, 2023
- આઈઆઈએમના પ્રોફેસરોએ કહ્યું, શાળાના આચાર્યો પાસે ઘણી છુપાયેલી શક્તિ હોય છે જેનાથી તેઓ શાળા સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે
વડોદરા,તા.11 ઓગષ્ટ 2023,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના 35 આચાર્ય અને શિક્ષકો દ્વારા આજ રોજ રવિ જે.મથાઇ સેન્ટર ફોર એજ્યુકેશન ઇનોવેશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાની શાળાઓમાં કામ કરતા આચાર્ય અને શિક્ષકોને મેનેજમેન્ટ અને વહીવટી માર્ગદર્શન મળે તેમજ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનાં રિસર્ચ અને એનાલિસીસ સંદર્ભે માહિતી મેળવવાનો હતો.
આઈ.આઈ.એમ અમદાવાદ દ્વારા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, (જીસીઇઆરટી) ના વિવિધ પ્રોજેક્ટનું રિસર્ચ અને એનાલિસિસ કરવામાં આવતું હોય છે. આવા ઘણા બધા પ્રોજેક્ટસના જે પ્રોફેસરો દ્વારા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે તેવા પ્રોફેસર આજે ઉપસ્થિત રહી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના આચાર્યોને માર્ગદર્શન આપ્યું હતું. શૈક્ષણિક યોજનાઓ તૈયાર કરનાર રિસર્ચ ટીમના પ્રોફેસર સાથે આચાર્યોને મૂંઝવતા પ્રશ્નો અને શિક્ષણમાં હજુ કેવું ઇનોવેશન કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રોફેસરોએ કહ્યું હતું કે શાળાના આચાર્ય પાસે ઘણા બધી છુપી શક્તિઓ હોય છે જેનાથી તેઓ શાળાને સર્વ શ્રેષ્ઠ બનાવી શકે છે.