દેશની અદાલતોમાં ૩.૩૦ કરોડ અને ગુજરાતમાં ૧૬.૪૫ લાખ ધંધાકીય વિવાદના કેસ પેન્ડિંગ છે
આર્બિટ્રેશન એક્ટમાં કરાયેલા સુધારાનો વિરોધ, વિશ્વમાં ૮૫ ટકા ઇન્સ્ટિટયૂશનલ આર્બિટ્રેશન અને ૧૫ ટકા એડહોક આર્બિટ્રેશન થાય છે, ભારતમાં તેનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ છે
વડોદરા,તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૦, શનિવાર
ધંધાકીય વિવાદોના કારણે ઉદ્યોગ ધંધાનો વિકાસ રૃંધાય છે. તેમા પણ આ વિવાદો જ્યારે કોર્ટમાં પહોંચે છે અને તેનો
નિકાલ આવતા વર્ષો નીકળી જાય છે ત્યારે ધંધા અને ઉદ્યોગ જ નહી પરંતુ દેશના અર્થતંત્રને પણ તે ઘણુ નુકસાન
પહોંચાડે છે એટલે આવા વિવાદોના ઉકેલ માટે સરળ ઉકેલ આર્બિટ્રેશન (લવાદ) છે. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારે
આર્બિટ્રેશન એક્ટમાં સુધારો કર્યો છે જે પ્રેક્ટિકલ નથી એટલે તેનો દેશભરમાં ઇન્સ્ટિટયૂશનલ આર્બિટ્રેશન દ્વારા વિરોધ થઇ
રહ્યો છે તેમ વડોદરા સ્થિત ઇન્સ્ટિટયૂશનલ આર્બિટ્રેશનના ડાયરેક્ટર મનિષ બક્ષીએ કહ્યું હતું.
આજે મુંબઇ ખાતે પાર્લામેન્ટરી કમિટી ઓન પર્સનલ, પબ્લિક ગ્રિવન્સ, લો એન્ડ જસ્ટિસ દ્વારા આર્બિટ્રેશન એક્ટમાં થયેલા
સુધારા અગે મંતવ્ય રજૂ કરવા મનિષ બક્ષીને આમંત્રણ અપાયુ હતુ. તેઓએ આ મિટિંગમાં નવા સુધારાનો વિરોધ કરીને
ઇન્સ્ટિટયૂશનલ આર્બિટ્રેશનને સ્વાયત્તતા આપવાની માગ કરી હતી.
આર્બિટ્રેશન અંગે વાત કરતા મનિષ બક્ષીએ કહ્યું હતું કે દેશની અદાલતોમાં કોમર્શિયલ ડિસ્પ્યૂટ (ધંધાકીય અને ઔદ્યોગિક
વિવાદ)ના ૩.૩૦ કરોડ કેસ પેન્ડિંગ છે. ગુજરાતમાં આ આંકડો ૧૬.૪૫ લાખનો છે. વિશ્વમાં ૮૫ ટકા ઇન્સ્ટિટયૂશનલ
આર્બિટ્રેશન અને ૧૫ ટકા એડહોક (વ્યક્તિગત) આર્બિટ્રેશન થાય છે. ભારતમાં સ્થિતિ વિપરીત છે. અહી ૧૫ ટકા
ઇન્સ્ટિટયૂશનલ અને ૮૫ ટકા એડહોક આર્બિટ્રેશન થાય છે.
ઇન્સ્ટિટયૂશનલ આર્બિટ્રેશનમાં ૧૨ થી ૧૮ મહિનામાં કેસનો નિકાલ કરવો ફરજિયાત છે ઉપરાંત શિડયુલ ફાઇવ પ્રમાણે ફી
પણ ફિક્સ કરેલી છે. એડહોકમાં કેસનો ક્યારે નિકાલ થાય તે નક્કી નથી હોતુ જ્યારે ફી પણ નિયત નથી હોતી એટલે
સરકાર હવે ઇન્સ્ટિટયૂશનલ આર્બિટ્રેશનને પ્રમોટ કરવા જઇ રહી છે.'