૧૦૦માંથી ૩૦ જેટલી યુવતીઓ પીસીઓડીની સમસ્યાથી પીડાય રહી છે
મોડર્ન યુગમાં જે રીતે યુવતીઓ જીવન જીવી રહી છે તેને કારણે
પીસીઓડીની સમસ્યાનું ધ્યાન ન આપે તો નાની વયે જ ડાયાબિટિસ, હાયપર ટેન્શન અને કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય છે
વડોદરા, તા.11 ફેબ્રુઆરી ૨૦૨૦, મંગળવાર
મોડર્ન યુગમાં જીવી રહેલી યુવતીઓ જંકફૂડ વધુ ખાય છે, ઊંઘ પૂરતી લેતી નથી, પોલ્યુશન, ચિંતા ક્યારેક વારસાગત આ તમામને કારણે ૧૦૦માંથી ૩૦ જેટલી યુવતીઓ પીસીઓડી એટલે કે પોલિસિસ્ટીક ઓવેરી ડિસીઝની સમસ્યાથી ખૂબ પીડાય રહી છે. છેલ્લા પાંચથી સાત વર્ષમાં આ સમસ્યાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, એમ હોમિયોપેથિક મહિલા ડોક્ટરનું કહેવું છે.
કારેલીબાગ સ્થિત મેવાડ જૈન સમુદાયના મહિલા ગુ્રપ દ્વારા નિઃશુલ્ક સ્ત્રીઓની શારીરિક સમસ્યા અને તેના નિદાન માટે લેક્ચરનું આયોજન કરાયું હતું, જેમાં ૧૫૦ મહિલાઓએ ભાગ લીધો હતો. આપણે સશક્ત નારીકરણની વાત થાય છે પરંતુ નારી જ સ્વસ્થ નથી તો દેશ કેવી રીતે સ્વસ્થ રહેશે તેની જાગૃતતા માટે આ લેક્ચરનું આયોજન થયું હતું. જેમાં ડોક્ટરે કહ્યું કે, પીસીઓડીની સમસ્યાને કારણે ચહેરા પર વાળ ઊગી નીકળવા, માથાના વાળ ખરવા, પીંપલ જેવી ઝીણી ફોલ્લિઓ થવી, ગરદન અને ચહેરા પર ધબ્બા પડી જવા આ સમસ્યાને કારણે આગળ જતા ગર્ભ ધારણ કરવામાં પણ તકલીફ પડે છે. એલોપેથી દવામાં પીસીઓડીનો કોઈ સ્થાયી ઈલાજ જ નથી. આ સમસ્યા માટે આયુર્વેદિક અથવા હોમિયોપેથિ ઉત્તમ ઈલાજ છે. યોગ, સૂર્યનમસ્કાર અને ધ્યાન લાભદાયી છે. જો પીસીઓડીની સમસ્યાનું ધ્યાન ન રાખે તો નાની વયે જ યુવતીઓને ડાયાબિટિસ, હાયપર ટેન્શન અને કોલેસ્ટરોલનું પ્રમાણ વધી જાય છે.
વધુમાં ડોક્ટરે કહ્યું કે, સ્ત્રીઓમાં મોટાપાનું કારણ વારસાગત અથવા તો ફાસ્ટફૂડ હોય છે પરંતુ વધારે ફાસ્ટફૂડના કારણે થાય છે. મોટાપાને કારણે ચરબીના કોષોનું પ્રમાણ વધે છે અને હોર્મોન્સ અસંતુલિત થાય છે જેથી સ્ત્રીઓના શરીરમાં વિવિધ રોગ જન્મ લે છે. સ્ત્રીઓ પરિવારની સાર-સંભાળની સાથે પોતાના માટે ૨૫થી ૩૦ મિનિટનો સમય કાઢીને કસરત અને યોગા કરવા જોઈએ.