Gujarat

ગુજરાતમાં ૧૧ કેન્દ્રો પર ૨૮૯૦૦ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

By GS Team
23 Jan 20221 min read
This article was originally published on 23 Jan 2022
ગુજરાતમાં ૧૧ કેન્દ્રો પર ૨૮૯૦૦ ઉમેદવારોએ જીસેટ પરીક્ષા આપી

વડોદરાઃ કોલેજો તેમજ યુનિવર્સિટીઓમાં અધ્યાપકની ભરતી માટે જરુરી જીસેટ(ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ)પરીક્ષા આજે ગુજરાતમાં વડોદરા સહિતના ૧૧ કેન્દ્રો પર લેવામાં આવી હતી.

કોરોના કાળમાં આજે લેવાયેલી પરીક્ષામાં કુલ ૨૮૯૦૦ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી.આમ પરીક્ષા માટે ફોર્મ ભરનારા ૪૦૫૦૬ ઉમેદવારો પૈકી ૭૧ ટકા ઉમેદવારોએ આજે આ પરીક્ષા આપી હતી.૧૧૬૦૬ ઉમેદવારો ગેરહાજર નોંધાયા હતા.વિવિધ ૨૫ વિષય માટે આ પરીક્ષા લેવામાં આવી હતી.

એમ.એસ.યુનિવર્સિટી જીસેટ પરીક્ષાનુ સંચાલન કરે છે.પેપર સેટ કરવાથી માંડીને પરીક્ષા લેવાની અને પરિણામ જાહેર કરવાની કામગીરી એમ.એસ.યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે.સૂત્રોનુ કહેવુ છે કે, છેલ્લે ૨૦૧૯માં આ પરીક્ષા લેવામાં આવી ત્યારે ૨૫૪૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.આ વખતે ૨૮૯૦૦ ઉમેદવારો પરીક્ષામાં બેઠા હતા.

આ પૈકી વડોદરા સેન્ટર પર ૩૮૭૭ વિદ્યાર્થીઓમાંથી ૨૫૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે હાજર રહેતા વડોદરા કેન્દ્ર પર ૬૫ .૨૬ ટકા હાજરી નોંધાઈ હતી.૧૧ કેન્દ્રો પૈકી સૌથી વધારે ૭૯.૧૧ ટકા હાજરી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાઈ હતી.

અધ્યાપક તરીકે ભરતી માટેની લાયકાતમાં નેટ પરીક્ષાની સાથે સાથે જીસેટ પરીક્ષા પાસ કરી હોય તો તેને પણ માન્ય રાખવામાં  આવે છે.ગુજરાત સ્તરે આ પરીક્ષા લેવાતી હોવાથી તે આપનારા ઉમેદવારોની સંખ્યા વધી રહી છે.