Get The App

ગાંધીનગર જિલ્લામાં આજે 285 બસ સ્ટેશનની સફાઇ કરી દેવાશે

Updated: Oct 15th, 2023

GS TEAM


Google News
Google News
ગાંધીનગર જિલ્લામાં આજે 285  બસ સ્ટેશનની સફાઇ કરી દેવાશે 1 - image


બે મહિના ચાલનારી ઝુંબેશ અંતર્ગત

અડાલજ અને સાંપાની વાવ સહિત ૧૪ પ્રાવાસન સ્થળ૫ રેલવે સ્ટેશન તથા ૧૬૬ શૌચાલયને પણ સાફ કરાશે

ગાંધીનગર : રાજ્યવ્યાપી સ્વચ્છતા એ જ સેવા ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં તારીખ ૧૫મીએ ઝુંબેશના પ્રથમ દિવસે તમામ ૨૮૫ ગામના બસ સ્ટેશનની સફાઇ કરવામાં આવશે. સતત બે મહિના સુધી ચાલનારી આ સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન વિખ્યાત એવી અડાલજ અને સાંપાની વાવ સહિત ૧૪ પ્રાવાસન સ્થળ, ૫ રેલવે સ્ટેશન તથા ૧૬૬ શૌચાલયની પણ સાફ સફાઇ કરવામાં આવનાર છે.

ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી .કે. પટેલે જણાવ્યું કે, સમગ્ર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ ઝુંબેશનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ બે માસની ઝુંબેશ દરમ્યાન જુદી જુદી થીમ ઉપર દર રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે. તેમજ દરેક સફાઇ કામના સચોટ આયોજન માટે નોડલ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે. આઠ સપ્તાહ સુઘી ચાલનારી આ સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તારીખ ૧૫મી ઓક્ટોબરે ૨૮૫ બસ સ્ટેશનોની સફાઇ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર તાલુકાના ૫૮, માણસા તાલુકાના ૭૯, કલોલ તાલુકાના ૫૬ અને દહેગામ તાલુકાના ૯૩ બસ સ્ટેશનને આવરી લેવામાં આવનાર છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતાં ડભોડા, સઇજ, પાનસર, રખિયાલ અને જાલીયામઠ મળીને ૫ રેલ્વે સ્ટેશનની પણ સફાઇ કરવામાં આવશે. તેની સાથે અડાલજ અને સાંપાની ઐતિહાસિક વાવની પણ સાફ સફાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવતાં ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોની સફાઇ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર તાલુકાના ૬, માણસા તાલુકાના ૩, કલોલ તાલુકાના ૪ અને દહેગામ તાલુકાના ૧ પ્રવાસન સ્થળની સફાઇ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ૪ પ્રતિમાની સફાઇ થશે. તેની સાથે સાથે ચારેય તાલુકાના ૧૬૬ સામુહિક શૌચાલયની સફાઇ કરવામાં આવશે.

Tags :