અમદાવાદમાં કોરોના વકર્યો : એક જ દિવસમાં 26 મોત, નવા 344 દર્દી
- નવા પશ્ચિમ ઝોનમાં છેલ્લા બે દિવસમાં નોંધાયેલા 122 કેસ
- કોરોના પેશન્ટો વધતાં લોકોમાં વ્યાપી રહેલો ભય પરંતુ અમદાવાદના સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધતું પ્રમાણ : આજે 255 દર્દીઓને રજા અપાઇ
અમદાવાદ, તા.13 જૂન, 2020, શનિવાર
અમદાવાદમાં કોરોનાનોવ્યાપ રોજેરોજ વધી રહ્યો છે. આજે એક જ દિવસમાં ગ્રામ્ય વિસ્તાર સાથે નવા 344 દર્દીઓ નોંધાયા છે, જ્યારે 26 દર્દીઓના જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે.
આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 16306ની થઈ ગઈ છે તેમજ કુલ મૃત્યુનો આંકડો 1365ને આંબી ગયો છે. બીજી તરફ કોરોનાને મ્હાત કરીને સાજા થયેલા 255 દર્દીઓને જુદી જુદી હૉસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. દર્દીની સંખ્યા અને મૃત્યુના સતત ઉંચા જઈ રહેલા આંકડાએ ભયાવહ સ્થિતિ પેદા કરી છે.
શહેરમાં આજે નોંધાયેલા દર્દીઓ તમામ વિસ્તારોના છે. દર્દીઓ અને મૃત્યુથી એક પણ વોર્ડ અછૂતો નથી રહ્યો. એક તરફ બહુ જ ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે, જ્યારે બીજી તરફ અનલોક-1ની જાહેરાત બાદ લકો સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી કે માસ્ક પણ કેટલાક લોકો પહેરતા નથી. જાહેરમાં થૂંકવાની બાબત પણ ચાલુ જ છે. આ તમામ બાબતો દર્દીઓની સંખ્યામાં વધારો કરી રહેલ છે.
ઉપરાંત હૉસ્પિટલોમાં સારવાર દરમ્યાન રોજ સરેરાશ 25 જેટલા મૃત્યુ નોંધાય છે. ટેસ્ટ મોડા થાય છે તેનું રિઝલ્ટ મોડું આવે છે, દર્દી દાખલ મોડો થાય છે. ઉપરાંત હૉસ્પિટલ મેળવવામાં દર્દીને હજુ પણ ખાસી દોડધામ કરવી પડે છે તે દરમ્યાન તેને જો શ્વાસ ચડતો હોય તો દાખલ થતાની સાથે જ સિરિયસ સ્ટેજમાં પહોંચી જાય છે.
ઉપરાંત નવા નોંધાતા દર્દીઓમાં પૂર્વઝોન અને પશ્ચિમ ઝોન વચ્ચે જાણે કે સ્પર્ધા શરૂ થઈ છે. પશ્ચિમ ઝોનમાં પાલડીમાં 10, નારણપુરા- નવરંગપુરા 12, સાબરમતી- ચાંદખેડામાં 14 સાથે 55 દર્દી નોંધાયા છે, જ્યારે પૂર્વઝોનમાં નિકોલમાં 18, ઓઢવમાં 11, વસ્ત્રાલમાં 9 સાથે 56 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
જ્યારે નવા પશ્ચિમ ઝોનના પાડેલા બે ભાગમાં 64 દર્દી નોંધાયા છે, ગોતામાં 12, જોધપુર બોડકદવમાં 12, ઘાટલોડિયા- થલતેજમાં 10, મક્તમપુર- સરખેજમાં 13 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ વિસ્તારોમાં બે દિવસમાં 122 કેસ નોંધાય છે. તેમજ દક્ષિણ ઝોનમાં 48, ઉત્તર ઝોનમાં 44 અને મધ્ય ઝોનમાં 31 કેસ નોંધાયા છે.
કયા ઝોનમાં કેટલા કેસ, કેટલા મૃત્યુ ?
ઝોન |
નવા કેસ |
કુલ દર્દી |
વધુ મૃત્યુ |
કુલ મૃત્યુ |
એક્ટિવ કેસ |
મધ્ય ઝોન |
31 |
3672 |
3 |
339 |
353 |
પશ્ચિમ ઝોન |
55 |
2053 |
3 |
104 |
615 |
ઉત્તર પશ્ચિમ |
32 |
712 |
1 |
20 |
251 |
દક્ષિણ પશ્ચિમ |
32 |
849 |
5 |
42 |
291 |
ઉત્તર ઝોન |
44 |
2871 |
1 |
215 |
743 |
પૂર્વ ઝોન |
56 |
2195 |
5 |
178 |
607 |
દક્ષિણ ઝોન |
૪૮ |
૩૦૯૧ |
૩ |
૨૧૮ |
૩૫૯ |
કુલ |
૨૯૮ |
૧૫૪૪૩ |
૨૧ |
૧૧૧૬ |
૩૨૧૯ |