પેપર લીક: આરોપી દર્શન વ્યાસના ઘેરથી રૂા.23 લાખ રોકડા મળ્યા
માસ્ટર માઇન્ડ જયેશ પટેલ હજુય પોલીસ પકડથી બહાર
જયેશ પટેલ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કરવામાં માહિર,ગૌણ સેવા મંડળનાં મોટાં માથાંઓની જ સંડોવણી
અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડકલાર્કની લેવાયેલી પરીક્ષાનુ પ્રશ્ન પત્ર ફુટી જતાં ભારે હોબાળો મચ્યો છે . સાબરકાંઠાના પ્રાંતિજ નજીક ઉંછા ગામ સમગ્ર પેપરલીક કૌભાંડનું એપી સેન્ટર બન્યુ છે ત્યારે પોલીસે વધુ તપાસ કરતાં આરોપી દર્શન વ્યાસના ઘેરથી રૂા.23 લાખ રોકડા મળી આવ્યા હતાં.
હેડકલાર્કની પરીક્ષામાં આરોપીઓએ પરીક્ષાર્થીઓને રૂા.10-15 લાખમાં પ્રશ્નપત્ર વેચ્યુ હતું. જોકે, મહત્વની વાત એછે કે, પેપરલીક કૌભાંડનો મૂખ્ય સૂત્રધાર જયેશ પટેલ હજુ પોલીસ પકડથી બહાર છે. હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થવાના મામલે સાબરકાંઠા પોલીસે અત્યાર સુધી કુલ 11 આરોપીઓ પૈકી આઠ આરોપીની ધરપકડ કરી છે.
મોડી સાંજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતાં. કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. આજે સાબરકાંઠા ડીએસપી નિરજ બડગુર્જરે જણાવ્યું કે, આરોપીઓએ હેડકલાર્કની પરિક્ષાનુ પ્રશ્નપત્ર આપવા માટે ઉમેદવારો પાસેથી નક્કી કરેલી રકમ મેળવી હતી.
આરોપીઓની પુરપરછ બાદ પોલીસે હિંમતનગર ખાતે આરોપી દર્શન વ્યાસના ઘેરથી રૂા.23 લાખની રોકડ રકમ જપ્ત કરી હતી. સૂત્રોના મતે, મૂખ્ય સૂત્રધાર જયેશ પટેલે અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલીય વાર પ્રશ્નપત્ર લીક કર્યા છે. પ્રશ્નપત્ર લીક કરવામાં જયેશ પટેલ માહિર છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બે મોટા માથાઓની સંડોવણી હોવાની શક્યતા છે. પસંદગી મંડળના આ મોટા માથાઓના કારણે જ સ્ટ્રોગરૂમથી પ્રશ્ન પત્ર લીક થયુ છે તેવી ચર્ચા છે. જયેશ પટેલ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસની 24 ટીમો કામે લાગી છે.
ખુદ પોલીસ અિધકારીઓ જ કહી રહ્યા છેકે, માસ્ટર માઇન્ડ જયેશ પટેલ પકડાશે ત્યાર બાદ પેપરલીક કૌભાંડમાં વધુ નવા ખુલાસા થઇ શકે છે. પેપરલીક કૌભાંડને લીધે ભાજપ સરકાર ભીંસમાં આવી છે ત્યારે આપ,કોંગ્રેસે પણ આ મુદ્દાને રાજકીય વળાંક આપવા પ્રયાસો કર્યા છે. આ જ મામલે અમદાવાદ, જામનગર અને માણસા સહિત શહેરોમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ વિરૂધૃધ દેખાવો યોજાયા હતાં.
આરોપી દેવલ પટેલના દસ દિવસ પહેલા જ લગ્ન થયા છે
આરોપી દેવલ પટેલ હાલ પોલીસના સકંજામાં છે પણ દસેક દિવસ પહેલાં જ તેના લગ્ન થયા છે. શોર્ટકટ અજમાવી નાણાં કમાઇ લેવામાં દેવલ પટેલના ગૃહસૃથ જીવનમાં વાવાઝોડુ ફુંકાયુ છે. માસ્ટર માઇન્ડ જયેશ પટેલે જ સૌથી પહેલાં દેવલ પટેલને પ્રશ્રપત્ર આપ્યુ હતું અને દેવલે તેના સસરા મહેન્દ્ર પટેલના ઘેર પરીક્ષાર્થીઓને બોલાવી પ્રશ્નપત્ર સોલ્વ કરાવ્યુ હતું. બધાય પરીક્ષાર્થીઓના મોબાઇલ ફોન સુધૃધાં લઇ લેવાયા હતાં. પ્રશ્રપત્ર સોલ્વ કરાયા બાદ જ બધાયને ફોન પરત કરાયા હતાં.