Get The App

મેડિકલ-ડેન્ટલના મેરિટમાં ૨૨૭૨૬ વિદ્યાર્થીઃઆ વર્ષે ૧૨૦૦ વિદ્યાર્થી વધુ

૧૨ સાયન્સ પછીના મેડિકલ કોર્સીસમાં પ્રવેશ માટે મેરિટ ઊંચુ

૧૮૦૦થી વધુ વિદ્યાર્થી મેરિટમાંથી બાકાતઃ આ વર્ષે વિદ્યાર્થીઓ વધ્યા પણ બેઠકો વધવાની શક્યતા નહિવત

Updated: Jan 23rd, 2022

GS TEAM

Google News
Google News
મેડિકલ-ડેન્ટલના મેરિટમાં ૨૨૭૨૬ વિદ્યાર્થીઃઆ વર્ષે ૧૨૦૦ વિદ્યાર્થી વધુ 1 - image

અમદાવાદ

ધો.૧૨ સાયન્સ પછીના નીટ આધારીત ચાર કોર્સીસ મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ છે.જેમાં આ વર્ષે ૨૨૭૨૬ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે.ગત વર્ષ કરતા આ વર્ષે મેરિટમાં ૧૨૧૩ વિદ્યાર્થીઓ વધારે છે.વિદ્યાર્થીઓ વધ્યા છે પંરતુ બેઠકો વધે તેમ નથી.

મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે ગુજરાત સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અંતે જાહેર કરી દેવાયુ છે.રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયાને બે મહિના થઈ ગયા હતા પરંતુ અનામત મુદ્દેના વિવાદને લઈને પ્રવેશ પ્રક્રિયા થઈ શકી ન હતી. જનરલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કુલ ૨૨૭૨૬ વિદ્યાર્થીઓ છે.જેમાં આ વર્ષે છોકરીઓની સંખ્યા વધારે છે.પ્રથમ નંબરે ગુજરાતના રાજકોટના કોડિનારનો વિદ્યાર્થી રૃતુલ છગ છે.જેણે નીટમાં ઓલ ઈન્ડિયામાં પાંચમો રેન્ક મેળવ્યો હતો અને જે ૭૧૫ નીટ સ્કરો અને ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે જનરલ મેરિટમાં પ્રથમ નંબરે છે.ગત વર્ષે મેરિટમાં ૨૧૫૧૩ વિદ્યાર્થીઓ હતા અને મેરિટમાં પ્રથમ નંબરે રહેનાર વિદ્યાર્થીને ઓલ ઈન્ડિયા રેન્ક ૭૯મો હતો તેમજ ૭૦૦ નીટ સ્કોર હતો.આમ આ વર્ષે મેરિટમાં વિદ્યાર્થીઓ પણ ૧૨૦૦ જેટલા વધવા સાથે નીટ સ્કોર પણ ઘણો વધુ છે જેથી મેરિટ ઘણું ઊંચુ ગયુ હોવાનું કહી શકાય.આ વર્ષે ૨૫૮૫૧ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતુ અને જેમાંથી ૨૪૬૧૮ વિદ્યાર્થીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ હતુ.

આમ ૧૮૯૨ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ કારણોસર મેરિટમાંથી બાકાત રહ્યા છે. મેરિટમાં સમાવિષ્ટ કુલ ૨૨૭૨૬ વિદ્યાર્થીઓમાં ઓપન કેટેગરીના ૪૬૫૮, એસસીના ૨૪૧૬, એસટીના ૨૧૦૧, એસઈબીસીના ૮૩૮૧ અને ઈડબલ્યુએસ કેટેગરીના ૫૧૭૦ વિદ્યાર્થીઓ છે.  જ્યારે ડીડીએનએચ કેટેગરીના ૧૦૫, ડીફેન્સ કેટેગરીના ૧૭, જવાહર નવોદયના ૪ અને ડિસએબિલિટી કેટેગરીમાં ૮૦ વિદ્યાર્થીઓ છે જ્યારે એનઆરઆઈ કેટેગરીમાં ૧૪૬ વિદ્યાર્થીઓ છે.ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો સાથેની મેડિકલમાં ૫૫૦૦થી વધુ,ડેન્ટલમાં ૧૩૦૦થી વધુ તેમજ આયુર્વેદમાં ૨૨૪૨ અને હોમિયોપેથીમાં ૩૭૧૦ બેઠકો સહિત અંદાજે ૧૩ હજાર જેટલી બેઠકો છે.ગત વર્ષે ૧૨ સાયન્સમાં માસ પ્રમોશનને લીધે મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આ વર્ષે ઘણા વધ્યા છે પરંતુ બેઠકો આ વર્ષે વધે તેમ નથી.પાંચ નવી મેડિકલ કોલેજોની મંજૂરીની પ્રક્રિયા ચાલુ હતી અને તેમાં નામંજૂરી બાદ હાલ કમ્પ્લાઈન્સ રિપોર્ટની પ્રક્રિયા ચાલુ છે.