ચિલોડાના વેપારી પાસેથી મગફળીનું બિયારણ ખરીદી 2.53 લાખની છેતરપિંડી
ડ્રાઇવર મારફતે ચેક મોકલીને ગઠીયાએ કારસ્તાન કર્યું
સીઝ થયેલા ખાતાનો ચેક હોવાનું બહાર આવતા વેપારીએ ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડામાં બિયારણની દુકાન ધરાવતા વેપારી પાસેથી ૨.૫૩ લાખ રૃપિયાનું બિયારણ ખરીદીને સીઝ થયેલા ખાતાનો ચેક આપી ગઠિયાએ છેતરપિંડી કરી છે. જે સંદર્ભે ચિલોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇસનપુર રોડ ઉપર હવેલી ઉમિયાનગર વસાહતમાં રહેતા અને ચિલોડા
ખાતે શિવમ એગ્રો સેન્ટર ધરાવતા પ્રવીણભાઈ છગનભાઈ સોજીત્રાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત ૧૫ જૂનના રોજ
તે દુકાન ઉપર બેઠા હતા તે દરમિયાન બપોરના સમયે એક વ્યક્તિએ ફોન કરીને મગફળીના
બિયારણ અંગે પૂછપરછ કરી હતી અને ત્યારબાદ તેને ૧૦૦ કટ્ટા જોઈતા હોવાની વાત કરી
હતી. જેથી તેમણે હાલ ૨૫ કટ્ટા છે અને ત્યારબાદ બાકીના મંગાવી આપીશ એમ કહ્યુ હતું.
જો કે આ શખ્સે ચેક મોકલાવું તો ચાલશે તેમ કહેતા વેપારીએ હા ભણી હતી અને ડ્રાઇવર
મારફતે ચેક મોકલાવીને બે તબક્કામાં ડાલા મારફતે ૯૦ કટ્ટા બિયારણ લઈ લેવામાં આવ્યું
હતું અને ૨.૫૩ લાખ રૃપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. વેપારી દ્વારા આ ચેક બેંકમાં
ભરવામાં આવતા રિટર્ન થયો હતો અને ખાતુ સીઝ થયેલું હોવાનું જણાયું હતું. જેથી તેમને
આ સંદર્ભે ચિલોડા પોલીસમાં ગુનો દાખલ કર્યો છે.