કુડાસણમાં દુકાનનું શટર તોડીને 2.39 લાખના મોબાઈલની ચોરી
- લોકડાઉનમાં રાહત મળતાં તસ્કરો પણ સક્રિય
ગાંધીનગર, તા. 31 મે 2020, રવિવાર
ગાંધીનગર શહેર આસપાસમાં હવે લોકડાઉન ખુલતાંની સાથે તસ્કરોએ પણ જાણે મુહુર્ત કર્યું હોય તેમ લાગી રહયું છે. કુડાસણમાં આવેલી મોબાઈલની દુકાનનું ગઈરાત્રીએ શટર તોડીને તસ્કરો તેમાંથી ર.૩૯ લાખની કિંમતના ૧ર જેટલા મોબાઈલ ચોરીને પલાયન થઈ ગયા હતા. આજે સવારે દુકાનમાલિક આવ્યા ત્યારે આ ચોરી અંગે જાણ થઈ હતી અને આ સંદર્ભે ઈન્ફોસીટી પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
છેલ્લા બે મહિનાના લોકડાઉન બાદ હવે ધીરેધીરે વેપાર ધંધા રાબેતા મુજબ શરૂ થવા લાગ્યા છે. લોકો કોરોનાને ભુલી હવે કામ ધંધો શરૂ કરી રહયા છે ત્યારે તસ્કરોએ પણ જાણે કે મુહુર્ત કર્યું હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં આવેલી સેફ ઝોન નામની ઈલેકટ્રોનીક્સના શોરૂમમાં ગઈકાલે રાત્રે તસ્કર ટોળી ત્રાટકી હતી અને દુકાનનું શટર તોડી તેમાંથી અલગ અલગ કંપનીના ૧ર જેટલા મોબાઈલ ચોરી લીધા હતા. સવારના સમયે દુકાને આવેલા મેનેજર વિજયભાઈ ત્રિકમભાઈ પટેલને આ ચોરી અંગે જાણ થતાં તેમણે શોરૂમના માલિક કૌશિકભાઈ પટેલ અને અન્યને ઘટનાથી વાકેફ કર્યા હતા. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતાં ઈન્ફોસીટી પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.
જેથી પોલીસ વિજયભાઈની ફરિયાદના આધારે ર.૩૯ લાખની કિંમતના ૧ર મોબાઈલની ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી તસ્કરોને પકડવામાં સફળતા મળી શકે. અન્ય ધંધાર્થીઓની જેમ તસ્કરોએ પણ મુહુર્ત કર્યું હોય તેવો ઘાટઃઈન્ફોસીટી પોલીસે તપાસ શરૂ કરી