જાંબુઘોડાનું જંગલ 180થી વધુ પ્રજાતિના પક્ષીઓનું રહેઠાણ
દૂધરાજ, પીળક, તુઈ, સુડો તેમજ ઘુવડની વિવિધ પ્રજાતિ જંગલમાં જોવા મળે છે
વડોદરા, તા. 19 ઓગસ્ટ 2020, બુધવાર
૧૩૦ ચો.કિમી કરતા પણ વધુ વિસ્તારમાં જાંબુઘોડાનું જંગલ ફેલાયેલું છે. જે ૧૮૦થી વધુ પ્રજાતિના પક્ષીઓનું મનપસંદ રહેઠાણ બની ગયું છે.
પ્રથમવાર જાંબુઘોડાના પક્ષીઓ વિશે 'જાંબુઘોડા વન્યજીવ અભ્યારણ્ય પક્ષી માર્ગદર્શિકા' પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પક્ષીઓની તસવીરો કેમેરા ક્લિક કરનાર રાહુલ ભાગવતે કહ્યું કે, જાંબુઘોડાના જંગલમાં સ્થાનિક અને યાયાવર એમ બંને પક્ષીઓની વિવિધતા જોવા મળે છે. જેમાં દુધરાજ, પીળક, તુઈ, સુડો, પોપટ, બુલબુલ, વૈયા, માછીમાર ઘુવડ સહિત ઘુવડની વિવિધ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. પક્ષીઓ સિવાય દીપડો આ જંગલનું મુખ્ય પ્રાણી છે. અહીં રીંછ, ઝરખ, વણીયર, તાડ વણીયર, શાહુડી, ઘોરખોદિયું, શિયાળ, ચોશિંગા, નીલગાય, સાપ, પતંગિયા, કીટકો જેવા જંગલી, સસ્તન અને સરીસૃપ વર્ગના પ્રાણીઓ જોવા મળે છે.
જંગલમાં પક્ષીઓના નિરીક્ષણ માટે લોકોએ ટોળામાં અને ભપકા રંગના કપડા પહેરીને ન જવું જોઈએ. આસપાસના પરિસરને અનુરુ કપડા પહેરીએ તેમજ અવાજ ન કરીએ તો પક્ષીની દરેક ક્રિયાઓ માણી શકાય.'