અમદાવાદથી પસાર થતી 18 ફેસ્ટીલવ સ્પેશિયલ ટ્રેનો દોડશે
- દિવાળીના તહેવારો ટાણે મુસાફરોને મોટી રાહત
- વિશેષ ભાડા સાથે દોડનારી ટ્રેનોમાં મુસાફરોએ 10 થી 30 ટકા સુધી વધુ ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદ,તા.15 ઓક્ટોબર 2020, ગુરૂવાર
આગામી દિવાળીના તહેવારોને ધ્યાને લઇને રેલવેતંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદથી પસાર થતી હોય તેવી કુલ ૧૮ જેટલી 'ફેસ્ટીવલ સ્પેશિયલ' ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું છે. આ ટ્રેનો તા.૨૦ ઓક્ટોબરથી તા.૩૦ નવેમ્બર સુધી દોડાવાશે.
અજમેર-દાદર, શ્રીગંગાનગર-બાન્દ્રા, બિકાનેર-બાન્દ્રા, બિકાનેર-દાદર, ભગત કી કોઠી-બાન્દ્રા, વિશાખાપટ્ટનમ-ગાંધીધામ, સિકંદરાબાદ-રાજકોટ, અમદાવાદ-બેંગલોર, ગાંધીધામ-બેંગલોર, જોધપુર-બેંગલોર, અજમેર-મૈસુર, બાન્દ્રા-જેસલમેર, બાન્દ્રા-જમ્મુતવી, ગાંધીધામ-તિરૂનવેલી, ઓખા-હાવડા, પોરબંદર-હાવડા અને ગાંધીધામ-ભાગલપુર વચ્ચે આ ટ્રેનો દોડાવાશે.
જેને કારણે તહેવારો ટાણે વતન જવા માંગતા મુસાફરોને મોટી રહાત રહેશે. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ આ ફેસ્ટીવલ ટ્રેનોમાં વિશેષ ભાડા સાથે ટ્રેનો દોડશે. મુસાફરોએ સામાન્ય ટ્રેનો કરતા ૧૦ થી ૩૦ ટકા વધુ ભાડું ચૂકવવું પડશે.
ગત માર્ચ માસથી ટ્રેન સેવા બંધ રહ્યા બાદ અનલોકડાઉનના જુદાજુદા તબક્કામાં સ્પેશિયલ ટ્રેનો અને ક્લોન ટ્રેનો ચાલુ કર્યા બાદ હવે ફેસ્ટીવલ ટ્રેનો દોડતી થતા મુસાફરોને મોટી રાહત મળી જશે.