અમદાવાદમાં કોરોનાના નવા 166 કેસ : પાંચ દર્દીનાં મોત
- પશ્ચિમ, નવા પશ્ચિમ ઝોનમાં વ્યાપક અસર
- અમદાવાદ, સુરત વગેરેમાં સરકાર દ્વારા જાહેર કરાતા મૃત્યુના આંકડા સામે સેવાતી શંકા
અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદના પશ્ચિમ અને નવાપશ્ચિમના વિસ્તારોમાં કોરોનાનો પ્રકોપ વધતો જાય છે. સરકારી આંકડામાં મૃત્યુ અને દર્દીઓની સંખ્યામાં બહુ મોટો ઘટાડો થયાનું બતાવવામાં આવે છે, પણ હવે તો સામાન્ય લોકો પણ આ આંકડાઓને શંકાની નજરે જોવા માંડયા છે.
દરમ્યાનમાં આજે કોરોનાના નવા 166 કેસ નોંધાયા છે, જ્યારે પાંચ દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મૃત્યુ થયા છે. બીજી તરફ કોરોનાને માત આપી સાજા થયેલાં 153ને રજા અપાઈ છે.
બીજી તરફ સ્મશાન અને કબ્રસ્તાનમાં કોરોનાના પ્રોટોકોલ મુજબ થતી અંતિમવિધી અને સરકાર દ્વારા મરણના જાહેર કરાતા આંકડા વચ્ચે બહુ મોટો તફાવત હોવાની અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર સહીત અનેક શહેરોમાંથી બૂમ ઉઠવા પામી છે. સુરતમાં સરકારી આંકડો અને અંતિમક્રિયાની જવાબદારી સંભાળતા એકતા ટ્રસ્ટ દ્વારા જાહેર કરાતાં મૃત્યુના આંકડાઓમાં તો અસામાન્ય તફાવત જોવા મળે છે.
આવા જ સંદર્ભમાં આરોગ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતું કે 'શંકાસ્પદ કોરોનાના દર્દીનું રિપોર્ટ આવ્યા પહેલાં મૃત્યુ થાય તો તેમની અંતિમવિધી કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે જ થતી હોય છે, એટલે આંકડામાં તફાવત જોવા મળે છે.' ખરેખર આવું જ હોય તો પોઝીટિવ અને શંકાસ્પદ દર્દી બન્નેના આંકડા પારદર્શક રીતે જાહેર કરવા જોઈએ.
અમદાવાદમાં પણ આવી જ સ્થિતિ છે. જાન્યુઆરીથી મે દરમ્યાન સ્મશાન અને કબ્રસ્તાનના ચોપડે નોંધાયેલાં કોરોના અને કુદરતી રીતે થયેલા કુલ મરણનો આંકડો આગળના વર્ષના કુલ મરણના આંકડા કરતાં બધુ મોટો હોવાનું બહાર આવી ગયા બાદ તંત્ર સફાળુ જાગી ગયું છે. જુન-જુલાઈમાં સ્થિતિમાં બહુ થોડો જ ફેર પડયો છે.
આમ છતાં આંકડા છુપાવવા સ્મશાન-કબ્રસ્તાની ઓફિસો અને આ આંકડા સંભાળતા હેલ્થ વિભાગને એક પણ વિગત બહાર ના જાય તેની કડક સુચના આપવામાં આવી છે. મૃત્યુના આંકડા તો ઠીક વોર્ડવાર નવા દર્દીઓ, ઝોનવાર દર્દીઓ, અત્યાર સુધીના કુલ દર્દીઓ વગેરે તમામ આંકડાઓ પણ છુપાવવાની કવાયત શરૂ કરી છે.
ક્યા ઝોનમાં કેટલાં એકટિવ કેસ ?
પશ્ચિમઝોન |
601 |
દક્ષિણ પશ્ચિમઝોન |
496 |
ઉત્તર પશ્ચિમઝોન |
535 |
મધ્યઝોન |
257 |
ઉત્તરઝોન |
405 |
પૂર્વઝોન |
447 |
દક્ષિણઝોન |
420 |
કુલ |
3161 |