વડોદરા, તા.25 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીને રૃા.૧૬ કરોડની બેંક લોન ભરપાઇ કરવા માટે ઇસ્યૂ થયેલી નોટિસ એ વડોદરાની મામલતદાર પૂર્વ કચેરીની મોટી ભૂલ હોવાનું બહાર આવ્યું છે.
શહેરના સયાજીપુરા વિસ્તારમાં રાજલક્ષ્મી ખાતેના ફ્લેટમાં રહેતાં શાંતિલાલ મહિજીભાઇ સોલંકીને તા.૩ માર્ચ ૨૦૨૩ની તારીખથી મામલતદાર અને એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટની કચેરી વડોદરા શહેર પૂર્વ દ્વારા વસૂલાત માટેની નોટિસ મળી હતી અને તેમાં પંજાબ નેશનલ બેંકની બાકી ૧૬ કરોડ ૫૦ હજાર રૃપિયા જેટલી રકમ વસૂલ લેવા માટે તા.૪ મે ૨૦૨૩ના રોજ વડોદરાના આર.સી. દત્ત રોડ પર આવેલ સ્ટર્લિગ સેન્ટર ખાતેની મિલકતનો પ્રત્યક્ષ કબજો લેવામાં આવશે તેમ જણાવાયું હતું.
શાંતિલાલને આ નોટિસ મળતાં જ તે ગભરાઇ ગયા હતા અને પોતાનું પંજાબ નેશનલ બેંકમાં કોઇ એકાઉન્ટ નથી અથવા ત્યાંથી કોઇ લોન લીધી નથી તેમ છતાં પોતાને નોટિસ મળતા તેણે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. વડોદરાના શહેર પૂર્વ મામલતદારની આ નોટિસ ભાર ેચર્ચામાં રહી હતી અને કલેક્ટર કચેરી દ્વારા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં કોર્પોરેશનની વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા સફાઇ કર્મચારીને નોટિસ ફટકારવામાં મામલતદાર કચેરીની ભૂલ હોવાનું બહાર આવ્યું છે.
મામલતદારની એક ભૂલના કારણે સામાન્ય કુંટુંબના સભ્યો ચિંતામાં રહેતા હતાં. આજે પણ પરિવારના સભ્યો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને નોટિસ આપનાર માલતદાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા પણ મામલતદારનો ખુલાસો માંગવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
સફાઇ કર્મચારીને બીજી નોટિસ ઃ ૧૦.૭૯ લાખ માટે મિલકત સીલ કરાશે
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં રાજલક્ષ્મી ખાતે રહેતાં સફાઇ કર્મચારી શાંતિલાલ મહિજીભાઇ સોલંકી રૃા.૧૬ કરોડના નહી પરંતુ રૃા.૧૦.૭૯ લાખની બેંક લોનના બાકીદાર હોવાનું બહાર આવ્યું છે. શાંતિલાલે પોતાની પ્રોપર્ટી પર વડોદરાના એમ.જી.રોડ પરની બેંક ઓફ ઇન્ડિયામાંથી લોન લીધી હતી અને તે રકમ તેઓ ભરપાઇ કરતા નહી હોવાથી તેમની મિલકત ટાંચમાં લેવા માટેની કાર્યવાહી હાથ ધરી મામલતદાર પૂર્વ દ્વારા ફરી એક નોટિસ આપવામાં આવી છે. મહિજીભાઇ સોલંકીને તા.૪ મે સુધી મિલકતમાં આવેલ જંગમ મિલકત ખસેડી લેવા માટે તાકીદ કરાઇ છે અને જો તેમ નહી કરાય તો મિલકતને સીલ મારી તેનો કબજો બેંકને સોંપી દેવાશે.


