વડોદરામાં ઝૂંપડાવાસીઓનો નવો સર્વે : 1590 પરિવારને ગરીબ આવાસ યોજના અને રાજીવ આવાસ યોજના અંતર્ગત મકાન અપાશે
Updated: Nov 21st, 2023
વડોદરા,તા.21 નવેમ્બર 2023,મંગળવાર
નુર્મ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ગરીબોની આવાસ યોજના તથા રાજીવ આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા આવાસોની ફાળવણી માટે લાભાર્થીઓ નક્કી કરવા અંગે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે જેમાં વધારાના 1590 ઝૂંપડાવાસીઓને મકાન આપવા જણાવ્યું છે.
નુંર્મ યોજના અંતર્ગત વડોદરા શહેરમાં સાત વર્ષના ગાળામાં પાંચ ફેઝ હેઠળ ગરીબોની આવાસ યોજના અંતર્ગત કુલ 21,696 આવાસો તથા રાજીવ આવાસ યોજના અંતર્ગત 1,460 આવાસો બનાવવામાં આવ્યા હતા જે પૈકી ઝૂંપડપટ્ટી ના કેટલાક લાભાર્થીઓનો સમાવેશ લોક ભાગીદારીની આવાસ યોજના અંતર્ગત થયો હતો જ્યારે અન્ય કેટલાકમાં દબાણો દૂર થઈ શક્યા ન હોય તેવા 2689 આવાસ હાલ ખાલી છે ગરીબોની આવાસ યોજના પ્રોજેક્ટ હેઠળ અગાઉ આવાસોની ફાળવણી માટે હયાત સ્લમ પોલીસી આધારિત લાભાર્થી નક્કી કરવા બાબતે વહીવટી તેમજ નાણાકીય બાબતોની નીતિ નક્કી કરવામાં આવી હતી તે મુજબ નવીન સર્વે મુજબ 1590 ઝૂંપડાવાસીઓનો સમાવેશ કરવા અંગે ની બે દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવી છે.
દરખાસ્તમાં જણાવ્યું છે કે નુર્મ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બી.એસ.યુ.પી. પ્રોજેક્ટ તથા રાજીવ આવાસ યોજના હેઠળ વર્ષ 2005/6 થી વર્ષ 2011/12 ના સમયગાળા દરમિયાનમાં પાંચ ફેઝ માં કુલ 21,696 આવાસો તથા રાજીવ આવાસ યોજના અંતર્ગત 1,460 આવાસો બનાવવા માટેની મંજૂરી મળી હતી આ પૈકી ગરીબોની આવાસ યોજના પ્રોજેક્ટ માં ફેસ ત્રણ, ચાર અને પાંચ હેઠળ બનાવેલા આવાસો માટે અગાઉ ઝૂંપડપટ્ટી વસાહતોની યાદી સામાન્ય સભામાં તારીખ 27/7/2015 થી મંજૂરી મળી હતી આ મંજૂરી પૈકી ઝુપડપટ્ટી ના કેટલાક લાભાર્થીઓનો સમાવેશ લોક ભાગીદારીની આવાસ યોજના અંતર્ગત કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય કેટલાકમાં દબાણ દૂર થઈ શક્યા નહીં હોવાને કારણે અંદાજે 2689 જેટલા આવાસો હાલ ખાલી છે ગરીબોની આવાસ યોજના પ્રોજેક્ટ હેઠળ અગાઉ આવાસોની ફાળવણી માટે હાલની સ્લમ પોલીસી આધારિત લાભાર્થી નક્કી કરવા બાબતે વહીવટી તેમજ નાણાકીય બાબતોની નીતિ નક્કી કરવા માટેની દરખાસ્તને તબક્કાવાર મંજૂરી આપવામાં આવી હતી.
આ દરખાસ્તમાં સમાવેશ કરેલી ઝુપડપટ્ટીઓ સિવાય અન્ય નવીન વડોદરા કોર્પોરેશનના પ્લોટો, વિકાસના કામોને અડચણરૂપ, તળાવો તથા રોડલાઇન પૈકીની જગ્યા પર દબાણ કરનારાઓનો સર્વે કરીને તેઓને મકાન ફાળવવા માટેની મંજૂરી આપવા દરખાસ્ત માં જણાવ્યું છે.
દરખાસ્તમાં વડોદરા શહેરના વિસ્તારો પૈકી (1)તરસાલી ચાર રસ્તા ધનિયાવી રોડમાં 530, (2) ઘાઘરેટીયા રોડ લાઈન પૈકીના 353 ઝૂંપડા, (3) ઉંડેરા ગામ એસટીપી અને તળાવ પૈકી 121, (4) અકોટા તાંદળજા સમજોતા નગરના 16, (5) કોઠીયાપુરા તાંદળજાના 92, (6) સયાજીપુરા કૃષ્ણનગર 39, (7) સયાજીપુરા મારુતિ નગર 35, (8) સયાજીપુરા ગોવિંદ નગર બેના 30, (9) સયાજીપુરા ફાઇનલ પ્લોટ 106 માં 17, (10) વાંસ તળાવ બાપોદમાં પાંચ, (11)દંતેશ્વર તળાવ 148, (12)ગોત્રી રાણેશ્વર નગર 41, (13) વસાવા મહોલો અટલાદરા 163 ઝૂંપડા મળી કુલ 1,590 ઝૂંપડા વાસીઓને મકાન આપવા અંગેની નીતિ નક્કી કરવી જરૂરી છે અગાઉ લાભાર્થી નક્કી કરવાની નીતિમાં કટઓફ ડેટ સપ્ટેમ્બર 2006 પછીના નક્કી થયેલા હોય તે મુજબ કોર્પોરેશનની માલિકીની જમીન પરના રસ્તામાં આવતા અને રી લોકેશન માટેના ઝુપડાવાસીઓને જે તે સરકારી શાખા દ્વારા અથવા કોર્પોરેશનના વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસના આધારે લાભાર્થી તરીકે સમાવેશ કરવાનો રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જેના આધારે આજ દિન સુધી આવાસોની ફાળવણી કરવામાં આવેલી છે પરંતુ હાલમાં જમીન મિલકત શાખા દ્વારા પ્લોટોની વિગત એફર્ડેબલ હાઉસિંગ શાખામાં આપવામાં આવેલ છે જે મુજબ એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સર્વેમાં ઝૂંડાવાસીઓની નોંધણી કરવામાં આવેલી છે.
આ ઝુપડાવાસીઓને ગરીબોની આવાસ યોજના અને રાજીવ આવાસ યોજના અંતર્ગત તૈયાર થયેલા આવાસોની ફાળવણી પોલીસી અને યોજનાની ગાઈડલાઈન મુજબ કરવાની થાય છે એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ અગાઉ 1112 આવાસો ફાળવવાની દરખાસ્ત રજૂ થઈ હતી હવે નવો સર્વે કરેલા અન્ય 478 આવાસો મળી 1590 ઝૂંપડાવાસીઓને ફાળવવા માટે આયોજન કરવામાં આવેલ છે. તેમ દરખાસ્તમાં જણાવ્યું છે.