પીજી મેડિકલ-ડેન્ટલમાં તમામ રાઉન્ડને અંતે 154 બેઠક ખાલી
- પ્રવેશ સમિતિ દ્વારા પ્રક્રિયા પૂર્ણ જાહેર
- ખાલી બેઠકો જે તે કોલેજને પોતાની રીતે ભરવા સોંપાઈ : 31 જુલાઈ સુધી પ્રવેશ આપવાનો રહેશે
અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
પીજી મેડિકલ અને ડેન્ટલમાં ઓફલાઈન રાઉન્ડ સાથે પ્રવેશ સમિતિ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે અને 154 બેઠકો ખાલી રહી છે. મેડિકલમા આજે ઓફલાઈન રાઉન્ડ પૂર્ણ થયા બાદ ખાલી પડેલી 126 બેઠકો જે તે કોલેને ભરવા સોંપી દેવાઈ છે.
પીજી મેડિકલ-ડેન્ટલમાં બે રાઉન્ડ કર્યા બાદ કેન્દ્ર સરકારે નીટના કટઓફમાં મોટો ઘટાડો કરતા પ્રવેશ સમિતિએ નવા પ્રવેશ લાયક વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરીને નવો રાઉન્ડ કરવો પડયો હતો.
ત્રણ ઓનલાઈન રાઉન્ડ ઉપરાંત મેડિકલ-ડેન્ટલ બંનેમાં ઓફલાઈન ધોરણે વીડિયો કોન્ફરન્સથી મોપઅપ રાઉન્ડ કરાયો હતો.ડેન્ટલમાં મોપઅપ રાઉન્ડ બાદ 28 બેઠકો ખાલી રહી હતી અને સમગ્ર પ્રવેશ પ્રક્રિયામાં 198ને પ્રવેશ અપાયો હતો.ડેન્ટલમાં ખાલીબેઠકો કોલેજોને ભરવા સોંપી દેવાઈ છે. જ્યારે પીજી મેડિકલમાં ઓફલાઈન રાઉન્ડ પૂર્ણ કરી દેવાયો છે.
આ રાઉન્ડને અંતે 126 બેઠકો ખાલી રહી છે જ્યારે તમામ રાઉન્ડમાં કુલ મળીને 1455 વિદ્યાર્થીને પ્રવેશ આપવામા આવ્યો છે.મેડિકલમાં પણ ખાલી પડેલી બેઠકો જે તે કોલેજને પોતાની રીતે ભરવા સોંપી દેવાઈ છે.કોલેજોએ કેન્દ્ર સરકારે વધારેલી પ્રવેશ મુદ્દત મુજબ 31 જુલાઈ સુધીમાં પ્રવેશ ફાળવી પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે.